અમદાવાદ : બોટાદ જિલ્લાનાં બરવાળામાં દેશી દારૂની જગ્યાએ કેમિકલ પી જવાથી 30થી વધુ લોકોની થયેલા મોત બાદ અમદાવાદ શહેરમાં ચાલતી દેશી દારૂની તમામ હાટડીઓ રાતોરાત બંધ કરી દેવામાં આવી છે. આ ઘટનાને પગલે અમદાવાદ સહિત ગુજરાતનાં તમામ જિલ્લાની પોલીસની ઉંધ ઉડી ગઈ છે.
કથિત લઠ્ઠાકાંડની ધટના બાદ સ્ટેટ મોનિટરિંગ સેલે શહેરના માધુપુરામાં જાહેરમાં ખાટલામાં બેસીને 3 ડોલ ભરીને દેશી દારૂની પોટલીઓ વેચી રહેલા 2 બુટલેગરને ઝડપી લીધા હતા.સેટેલાઈટ સંઘમિત્ર એપાર્ટમેન્ટમાં દારૂ વેચાણ થતો હોવાની બાતમીને આધારે લીલાબહેન નરસિંહભાઈ રાજપૂત(35)ના ઘરમાં દરોડો પાડતા 13 બોટલ મળી આવી હતી. પોલીસે કુલ રૂ.10 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
શહેરના પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, બોટાદના લઠ્ઠાકાંડના પગલે દરેક પોલીસ સ્ટેશન, ક્રાઈમ બ્રાંચ, પીસીબી સહિતની એજન્સીઓ સતર્ક થઇ ગઈ છે. શહેરમાં ક્યાંય પણ દેશી દારૂની 1 પણ પોટલી ન વેચાય તે માટે દેશી દારૂનો ધંધો કરતા દરેક બુટલેગરના ત્યાં પોલીસ ચેકિંગ કરી રહી છે, પરંતુ એક પણ બુટલેગર પાસેથી દેશી દારૂ મળ્યો નહીં હોવાનો દાવો પોલીસ અધિકારીઓ કરી રહ્યા છે.