અમદાવાદ : તાજેતરમાં સરકાર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના અંતર્ગત હાઉસિંગ બોર્ડના મકાનોમાં વસવાટ કરતાં ગરીબ વર્ગના રહીશોને વ્યાજ માફી માટે 2007 મુજબનું પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં હાઉસિંગ બોર્ડ તથા સ્લમ ક્લિયરન્સ સેલની જૂની યોજનાઓમાં 90 દિવસ માટે 100 ટકા પેનલ્ટી માફીની જાહેરાત કરી હતી. આ યોજના અંતર્ગત આજે નારણપુરા ખાતે આવેલ રઘુકુળ એપાર્ટમેન્ટ ખાતે બાકી હપ્તાની ચુકવણી અને વિવિધ પ્રશ્ર્નોને લઈને કેમ્પ યોજાઈ ગયો.જેમાં મોટી સંખ્યામાં રહીશોએ સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા ખોલવામાં આવેલ કાઉન્ટર પર બાકી રકમ ભરી હતી.
રહીશોને હાઉસિંગ બોર્ડમાં જઈને લાઈનમાં ઉભું રહેવું ના પડે અને ઘરઆંગણે બાકી હપ્તાની રકમ હોય કે કોઈ પ્રશ્ન હોય તો તેના નિવારણ માટે તથા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ કેમ્પમાં મોટી સંખ્યામાં રહીશોએ સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા ખોલવામાં આવેલ કાઉન્ટર પર બાકી રકમ ભરી લાભ લીધો હતો. આ કેમ્પનો શુભારંભ પૂર્વ મહેસુલ મંત્રી તથા નારણપુરા વિધાનસભાના ધારાસભ્ય કૌશિકભાઈ પટેલ દ્વારા કરાયો હતો.આ પ્રસંગે સ્થાનિક કાઉન્સિલરો, રઘુકુળ એપાર્ટમેન્ટના એસોસિએશન સભ્યો અને ગુજરાત હાઉસિંગ વસાહતના મંડળના સભ્યો તથા હાઉસિંગ બોર્ડના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે હાઉસિંગ વસાહતના મંડળના સભ્યો દ્વારા રિડેવલપમેન્ટને લઈને ઉભી થયેલ અડચણો દૂર થાય તે માટે રજૂઆત કરી હતી.