અમદાવાદ : અમદાવાદમાં વરસાદે વિરામે લેતા શહેરમાં જેમ ભુવા પડવાનો સિલસિલો શરૂ થયો છે એ પ્રમાણે હાઉસીંગ સોસાયટીઓમાં સ્લેબ, પાણીની ટાંકી, ગેલેરી વગેરે તૂટી પડવાનો સિલસિલો પણ શરૂ થયો છે. આજે રવિવારે શહેરમાં બે અલગ અલગ ઘટનાઓમાં ધાબાની સિલિંગ પડવાની ઘટનાઓમાં એક વૃદ્ધ બેનને સામાન્ય ઈજાઓ થવા પામી હતી.
પ્રથમ ઘટનામાં રવિવારે નારણપુરાના શિવાલય એપાર્ટમેન્ટ ખાતે ધાબાની સીલિંગ પડી જવાથી એક વૃદ્ધ બેનને સામાન્ય ઇજા પહોંચેલ હતી. સ્થાનિકોએ 108 બોલાવી બેનને હોસ્પિટલ ખસેડ્યા હતા. જયારે બીજી ઘટનામાં નવા વાડજમાં આવેલ હરિઓમ એપાર્ટમેન્ટમાં પણ ધાબાની સીલિંગનો મોટો હિસ્સો ધરાશયી થયો હતો.જો કે અહીં કોઈને ઈજાઓના સમાચાર નથી.
અમદાવાદમાં વરસાદ બાદ હાઉસિંગ બોર્ડના જર્જરિત મકાનોમાં આવા બનાવો વધતા જઈ રહ્યા છે. ત્યારે આવી ઘટનાઓ હાઉસિંગ બોર્ડના રહીશો માટે લાલબત્તી સમાન છે. આવી કોઈ મોટી ઘટના બને તે પહેલા રહીશો, એસોસિયેશન અને સરકારે ચેતી જવાની જરૂર છે. હાઉસીંગના રહીશો માટે રિડેવલપમેન્ટ કરવું ખુબ જરૂરી છે.