અંબાજી : કોરોનાના બે વર્ષ બાદ ભાદરવી પૂનમનો મેળો યોજાવા જઈ રહ્યો છે. ત્યારે હવે અંબાજી ભાદરવી પૂનમનો મહામેળો આનંદ અને ઉત્સાહથી યોજવા જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યુ છે. આજે અગ્ર સચિવ અશ્વિનીકુમારના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં બે વર્ષના વિરામ બાદ તારીખ 5 થી 10 સપ્ટેમ્બર દરમ્યાન યોજાનાર અંબાજી ભાદરવી પૂનમના મેળા અંગેનુ પ્લાનિંગ કરાયું હતું.
શક્તિપીઠ અંબાજી ખાતે દર વર્ષે યોજાતો ભાદરવી પૂનમનો મહામેળો મહામારી કોરોનાના લીધે બે વર્ષના લાંબા વિરામ બાદ આ વર્ષે તારીખ 5 થી 10 સપ્ટેમ્બર 2022 ના છ દિવસ દરમ્યાન ભાદરવી પૂનમનો મહામેળો યોજાનાર છે. આ વર્ષે શ્રદ્ધાળુઓની ભક્તિને ધ્યાનમાં રાખીને મેળા દરમિયાન મંદિર દર્શનનો સમય વધારી દેવાશે. વહેલી સવારે-5. 00 વાગ્યાથી આરતીનો લાભ લઇ શકાશે. 51 શક્તિપીઠ પરિક્રમા તથા લાઇટ એન્ડ સાઉન્ડ શો આ વખતે મેળામાં નવા આકર્ષણો છે.
તંત્ર દ્વારા એડવાન્સમાં મેળાને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મેળા માટે સલામતી, કાયદો અને વ્યવસ્થા સમિતિ સહિત જુદી જુદી -28 જેટલી સમિતિઓની રચના કરવામાં આવી છે. અંબાજીમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા માટે ડ્રોન કેમેરા, બોડી વોર્ન અને CCTV કેમેરાથી વોચ રખાશે. અંબાજીના રૂટ પર ડોગ સ્ક્વોર્ડ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવશે. પોલીસ દ્વારા પથિક સોફ્ટવેર દ્વારા અંબાજી આવતા મુલાકાતીઓની પણ માહિતી રાખવામાં આવશે.