અમદાવાદ : બર્મિંગહામમાં રમાઈ રહેલી કોમનવેલ્થ ગેમ્સ 2022 માં આઠમાં દિવસે ભારતીય રેસલર્સનો દબદબો રહ્યો હતો. ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારતીય રેસલર્સ દિપક પુનિયા, બજરંગ પુનિયા, સાક્ષી મલિક અને અંશુ મલિક સહિતનાં ખેલાડીઓએ સફળતા મેળવી હતી અને દેશને વધુ બે ગોલ્ડ મેડલ અપાવ્યા હતા.
ભારતના અનુભવી રેસલર બજરંગ પૂનિયા અને મહિલા રેસલર સાક્ષી મલિકે પોત-પોતાની કેટગરીમાં લાજવાબ પ્રદર્શન કરતાં ગોલ્ડ મેડલ જીત્યા હતા. બજરંગ પૂનિયાએ સળંગ ત્રીજો કોમનવેલ્થ મેડલ જીત્યો છે. 65 કિલો વર્ગ ફ્રીસ્ટાઈલમાં ટોક્યો ઓલિમ્પિક મેડાલિસ્ટ બજરંગ પૂનિયાને કોઈ ટક્કર મળી ન હતી અને તેણે આસાનીથી દેશને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. ત્યારબાદ સાક્ષી મલિક અને દીપક પૂનિયાએ પણ દેશને ગોલ્ડ મેડલ અપાવ્યા હતા.
જ્યારે અંશુ મલિકે સિલ્વર મેડલ જીતીને રેસલિંગમાં ભારતના મેડલનું ખાતું ખોલ્યું હતું. જ્યારે મહિલા રેસલર દિવ્યા કાકરને મહિલાઓની 68 કિલો કેટેગરીની ફ્રીસ્ટાઈલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તેણે ટોંગાની ટાઈગર લિલી કોકર લેમાલીને હરાવી હતી. વર્તમાન કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે અત્યાર સુધી નવ ગોલ્ડ મેડલ સહિત કુલ 25 મેડલ જીત્યા છે.