અમદાવાદ : અમદાવાદના સાઉથ બોપલમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. આજે રવિવારે સાઉથ બોપલમાં બિલ્ડિંગના 7મા માળે હોર્ડિંગ લગાવતી વખતે મજૂરો નીચે પટકાયા હોવાના સમાચાર સામે આવ્યા છે. 10 મજૂર પટકાયા છે. જેમાંથી બેના મોત થયા છે. થાંભલાના વાયર સાથે હોર્ડિંગ અડી જતા બ્લાસ્ટ થયો અને તેના કારણે મજૂરો પટકાયા હતા. યુપીના મજૂરો હતા જેમાં રાજ અને મહેશના મોત થયા છે. રવિ નામનો વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવારમાં કરવામાં આવી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના સાઉથ બોપલમાં આવેલી વિશ્વકુંજ એપાર્ટમેન્ટ પર હોડિંગ લગાવવામાં આવી રહ્યા હતા. હોડિંગ લગાવવા માટે 15 જેટલા મજૂરો કામ કરી રહ્યા હતા. બપોરે 2 વાગ્યાની આસપાસ બિલ્ડિંગના સાતમા માળે હોર્ડિંગ લગાવતી વખતે 10 મજૂરો નીચે પટકાયા હતા. આ દુર્ઘટનામાં રાજ અને મહેશ નામના 2 મજૂરોના મોત નીપજ્યા છે, જ્યારે એક ગંભીર ઇજાઓ પહોંચતા નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. એક મજુરને વધુ ઇજાઓ છે, અન્યને સામાન્ય ઇજાઓ થઈ છે. સમગ્ર ઘટનાને પગલે પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.
વીજળીના થાંભલા પર હોર્ડિંગ પડતા લાઈટના થાંભલાના વાયર તૂટ્યા હતા. તેમજ બિલ્ડિંગ નીચે રાખેલી ગાડી પર હોડિંગ તૂટી પડ્યું હતું.હોર્ડિંગ્સ માટે AMCના દક્ષિણ પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગની કોઇપણ મંજૂરી લેવામાં આવી નહોતી. શહેરમાં કોઈપણ સ્થળે હોર્ડિંગ્સ લગાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગની પરવાનગી લેવી પડે છે. આ હોર્ડિંગ્સ લગાવવા માટે કોઈ મંજૂરી લેવામાં આવી નથી.