અમદાવાદ : શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં માત્ર દોઢ વર્ષના ગાળામાં લગ્નજીવનનો અંત આવ્યો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. પરિણીતાને મૃત હાલતમાં ખાનગી હોસ્પિટલમાં મૂકીને સાસરિયા ફરાર થઈ ગયા છે. બીજી તરફ, પરિણીતાના પરિવારજનોનો આક્ષેપ છે કે તેના સાસરિયા અવારનવાર દહેજ પેટે રૂપિયાની માગણી અને સોનાના દાગીનાની માગણી કરીને તેને ત્રાસ આપતા હતા. જોકે, આ તમામ બાબતોને લઈને પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, વસ્ત્રાપુર ભરવાડવાસમાં રહેતા દિલીપ ભરવાડ સાથે રિદ્ધિ નામની યુવતીના દોઢ વર્ષ અગાઉ લગ્ન થયા હતા.લગ્ન પહેલાથી જ રિદ્ધિના સાસરિયાઓ દ્વારા પૈસાની માંગ કરવામાં આવતી હતી.દિલીપે પણ સગાઈ બાદ થાર ગાડી લેવા પૈસાની માંગણી કરી હતી.લગ્ન બાદ રિદ્ધિને માર મારતો હોવાનો રિદ્ધિના પરિવારે આક્ષેપ કર્યો છે.રિદ્ધિ પાસે સાસરિયાઓ અવારનવાર પૈસા અને સોનાની માંગણી કરતા હતા.રિદ્ધિ પિયરમાંથી ટુકડે ટુકડે 9 લાખ રૂપિયા લાવી હતી છતાં તેને ત્રાસ આપવામાં આવતો હતો.
થોડા દિવસ પહેલા રિધ્ધીને બાળક મીસકેરેજ જતા તેનાં પિયર પક્ષનાં 40 લોકો 12મી ઓક્ટોબરે તેની સાસરિમાં આવવાનાં હતા, જોકે તેનાં સાસરિયાઓએ તે 40 મહેમાનોનો તમામ ખર્ચ પણ રિધ્ધીનાં પિયરમાંથી માંગવાનું કહીને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતુ. અને અંતે 11મી ઓક્ટોબરે રિધ્ધીએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવી નાખ્યું હતું.આ ઘટના બાદ રિધ્ધી ભરવાડને તેનાં સાસરિયાઓ સંજીવની હોસ્પિટલમાં લઈ ગયા અને ડોક્ટરે તેને મૃત જાહેર કરતા જ ત્યાંથી ફરાર થઈ ગયા.
જેથી સાસરિયાઓનાં ત્રાસથી કંટાળી રિધ્ધી ભરવાડે આપઘાત કર્યો હોવાનો આક્ષેપ કરી પરિવારજનોએ આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. જેથી વસ્ત્રાપુર પોલીસે આરોપીઓ સામે આત્મહત્યા દૂષ્પ્રેરણાની કલમો હેઠળ ગુનો દાખલ કરવાની તજવીજ તેજ કરી છે. આ મામલે પોલીસે ફરાર આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે, તેમજ પરિવારજનોનાં આક્ષેપને લઈને આરોપીઓ સામે પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી શરૂ કરી છે. જોકે હવે આરોપીઓનાં પકડાયા બાદ આ બનાવ અંગેની સાચી હકિકત સામે આવશે.