વડોદરા : તાજેતરમાં વડોદરોના ફેમસ યુનાઈટેડ વે માં નવરાત્રીની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયાથી આવેલા કપલે કિસ કરી હતી. જેનો વીડિયો વાયરલ થયો હતો. એક અહેવાલ મુજબ, NRI દંપતીએ પોલીસને લેખિતમાં માફી આપ્યા બાદ દેશ છોડી દીધો હતો. આ દંપતી ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં રહેતું હતું અને તેમના લગ્નને 16 વર્ષ થયાં હતાં. તેઓ વડોદરામાં તેમના માતા-પિતાની મુલાકાત લેવા અને ગરબા ઉત્સવમાં ભાગ લેવા માટે ભારત આવ્યા હતા.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગત 26 સપ્ટેમ્બરના રોજ વડોદરાના ફેમસ યુનાઇટેડ વે ગરબા દરમિયાન બની હતી. એક વાયરલ ક્લિપમાં આ દંપતી ઉત્સાહથી ગરબા રમતા જોવા મળ્યું હતું, ત્યારબાદ પતિએ તેની પત્નીને ઊંચકીને તેના હોઠ પર કિસ કરી હતી. જે શરૂઆતમાં એક રોમેન્ટિક ક્ષણ જેવું લાગતું હતું, તે ફૂટેજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઝડપથી વાયરલ થતાં જ એક ચર્ચાનો વિષય બની ગયો હતો. આ ઘટના બાદ પોલીસને આ મામલે લેખિતમાં માફી આપ્યા બાદ દંપતી ભારત છોડીને ઓસ્ટ્રેલિયા પરત ફર્યું હતું.આ ઇવેન્ટ વિશ્વના સૌથી મોટા નવરાત્રી આયોજનોમાંથી એક છે, જેમાં વિશ્વભરના NRI સહિત દરરોજ રાત્રે 30000 થી 35000 સહભાગીઓ આવે છે.
સોશિયલ મીડિયા પર આ ઘટના અંગે ચર્ચા ચાલી રહી હતી તે દરમિયાન, અટલાદરા પોલીસ સ્ટેશનમાં અનેક ફરિયાદો નોંધાઈ હતી, જેના પગલે પોલીસે દંપતીને શોધી કાઢ્યું અને તેમને સમન્સ પાઠવ્યું હતું. પોલીસની તાત્કાલિક કાર્યવાહીના જવાબમાં, દંપતીએ પોલીસ સ્ટેશનમાં હાજર થઈને પોતાના કૃત્યની ગંભીરતા સ્વીકારી અને લેખિત માફી માંગી હતી. આ માફી બાદ, દંપતીને કોઈપણ કાયદેસરની કાર્યવાહી વિના મુક્ત કરવામાં આવ્યું હતું. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, વિવાદ થયા બાદ તરત જ આ દંપતી ફ્લાઈટ લઈને ઓસ્ટ્રેલિયા પરત ફર્યું હતું.