ગાંધીનગર : આગામી દિવાળીના તહેવારો દરમિયાન ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)એ મુસાફરોની વધતી જતી માંગને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં 2600થી વધુ એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવાની જાહેરાત કરી છે. આ વિશેષ વ્યવસ્થા 16થી 19 ઓક્ટોબર દરમિયાન અમલમાં આવશે, જેમાંથી લગભગ 5 લાખ મુસાફરોને લાભ થશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં એસ.ટી નિગમ દ્વારા વર્ષ દરમિયાન આવતા વિવિધ તહેવારો અને ખાસ કરીને દિવાળીના તહેવારોમાં રાજ્યના નાગરિકોને કોઈ મુશ્કેલી ન રહે તે પ્રકારે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવે છે. આ વર્ષે દિવાળીના તહેવારો દરમિયાન ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના તમામ વિભાગ દ્વારા તા.16 થી તા.19 ઓક્ટોબર 2025 દરમિયાન એક્સ્ટ્રા બસોનું સંચાલન હાથ ધરવામાં આવશે. મુસાફરોને દિવાળીના તહેવારો દરમિયાન પોતાના વતનમાં જવા માટે સુરત શહેરમાં રહેતા સૌરાષ્ટ,ઉત્તર ગુજરાતના રત્નકલાકારો ઉપરાંત દાહોદ અને પંચમહાલના શ્રમજીવીઓ માટે 1600 જેટલી એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યું છે.
સૌરાષ્ટ્ર જવા માટે મુસાફરોએ સુરત શહેરના રામચોક અને મોટા વરાછા ખાતેથી એસ.ટી બસ મળશે. જ્યારે ઉત્તર ગુજરાત તથા અમદાવાદ માટે મુસાફરોને સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતેથી બસની સુવિધા પ્રાપ્ત થશે. આ ઉપરાંત દાહોદ તથા પંચમહાલના શ્રમજીવીઓ માટે સુરત સેન્ટ્રલ બસ સ્ટેશનની સામેના સુરત શહેરી બસ સ્ટેશન ખાતેથી તેમજ રામનગર રાંદેર રોડ સુરત ખાતેથી બસ મળી રહેશે. દિવાળીના તહેવારો દરમિયાન નિગમના સુરત વિભાગ ઉપરાંત અમદાવાદ, વડોદરા, રાજકોટ, જૂનાગઢ, મહેસાણા, પાલનપુર સહિત અન્ય વિભાગો મળી મુસાફરોના ટ્રાફિકને પહોંચી વળવા અંદાજે 1000 જેટલી એક્સ્ટ્રા બસો સંચાલન કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મુસાફરો બસ સ્ટેશન ઉપરાંત એસ.ટી.દ્વારા નિમવામાં આવેલ બુકિંગ એજન્ટ, મોબાઇલ એપ, તથા નિગમની વેબસાઇટ www.gsrtc.in ઉપરથી પણ ઓનલાઇન ટિકિટનું બુકિંગ કરી શકશે. આખી બસનું ગ્રુપ બુકિંગ કરાવનારને “એસ.ટી. આપના દ્વારે” યોજના અંતર્ગત મુસાફરોએ જણાવેલ જગ્યાએથી તેમના વતન સુધી પહોચાડવામાં આવશે તેમ, વાહન વ્યવહાર નિગમની યાદીમાં વધુમાં જણાવાયું છે.