અમદાવાદ : અમદાવાદના SP રિંગ રોડ નજીક ડમ્પર અને એક્ટિવા વચ્ચે એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. જેમાં ખુબ જ ચોંકાવનારો ઘટનાક્રમ સામે આવ્યો હતો. સરદાર ધામ નજીક સર્જાયેલા એક વિચિત્ર અકસ્માતમાં એક્ટિવાચાલકનું મોત નિપજ્યું છે. આગ એટલી વિકરાળ હતી કે એક્ટિવાચાલક ઘટનાસ્થળે જ ભડથું થઈ ગયો હતો. ફાયરબ્રિગેડે પાણીનો મારી ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, રવિવારે સાંજના સમયે સરદાર પટેલ રિંગરોડ ઉપર સરદાર ધામની સામે ગ્રીનવુડ રિસોર્ટ તરફ જવાના રોડ પાસે રેતી ભરેલું એક ડમ્પર અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. એક્ટિવા ચાલકે અચાનક બ્રેક મારતા પાછળથી આવી રહેલા ડમ્પરની બ્રેક ન વાગતા એક્ટિવાને ટક્કર વાગી હતી. એક્ટિવા ટ્રકના પાછળના ટાયર સાથે ઘસડાતા સ્પાર્ક થતાં પેટ્રોલની ટાંકી લીક થતાં આગ લાગી હતી. ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી અને ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. ડમ્પરની જમણી તરફ નીચેના ભાગે પાણીનો મારો ચલાવી અને આગને કાબુમાં લેવામાં આવી હતી.આગ એટલી વિકરાળ હતી કે એક્ટિવાચાલક ઘટનાસ્થળે જ જીવતો ભડથું થઇ ગયો હતો. કોઇને આ લોકોને બચાવવા માટેનો સમય પણ મળ્યો નહોતો.
આગ બુજાવ્યા બાદ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ડમ્પરની નીચે જોતા એક્ટિવા ડમ્પર નીચે આવી જતા ચાલક આગમાં બળીને ભડથું થઇ ગયો હતો. એક્ટિવા ચાલક આગમાં ભડથું થઈ જતાં ફાયર બ્રિગેડ દ્વારા 108 ને પણ જાણ કરવામાં આવી હતી. ટ્રાફિક પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. એક્ટિવા ચાલકના દેહને પોસ્ટમોટમ અર્થે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યો છે તેમજ આ સમગ્ર મામલે મૃતક એક્ટિવા ચાલકની ઓળખ કરવા અંગેની તપાસ હાથ ધરી છે. ડમ્પર ચાલકની ટ્રાફિક પોલીસે પૂછપરછ હાથ ધરી છે.