ગાંધીનગર : ગુજરાત સરકારે દિવાળી પહેલા મોટો નિર્ણય લીધો છે. સુપ્રીમ કોર્ટના આ દેશને પગલે રાજ્ય સરકારે વિદેશી કે ચાઈનીઝ ફટાકડા પર પ્રતિબંધ મૂક્યો છે. જાહેર જગ્યાઓ ઉપર પણ ફટાકડા નહીં ફોડી શકાય એ પ્રકારની ગાઈડલાઈન જાહેર કરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, દિવાળીના તહેવારને લઈ ગુજરાતના નાગરિકો ઉત્સાહિત છે, આને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે ફટાકડા ફોડવા અંગેની નવી સૂચનાઓ આજે 13 ઓક્ટોબરના રોજ જ જાહેર કરી દીધી છે. વાયુ અને ધ્વનિ પ્રદૂષણને અટકાવવાના ઉદ્દેશ્ય સાથે સરકારે સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું કડક પાલન કરવાનો નિર્ણય લીધો છે. આ નિયમો અનુસાર દિવાળીની રાત્રે માત્ર બે કલાક (રાતે 8થી 10) સુધી જ ફટાકડા ફોડવાની મંજૂરી આપવામાં આવી છે.વધુ ઘોંઘાટ કરતા ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકાયો છે. તેમજ ફટાકડા ઈ કોમર્સ વેબસાઈટ પર પણ વેચાણ નહિ થઈ શકે.
રાજ્ય સરકારે જણાવ્યું છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા નક્કી કરાયેલા ધોરણોનું પાલન દરેક રાજ્ય માટે ફરજિયાત છે. હવા અને ધ્વનિ પ્રદૂષણમાં સતત વધારો થતો જાય છે, ખાસ કરીને તહેવારોના સમયગાળામાં, જેના કારણે આરોગ્ય પર ગંભીર અસર થતી હોવાના આધારે આ પગલાં લેવામાં આવ્યા છે.
સરકારની શું છે ગાઈડલાઈન
1. સુપ્રિમ કોર્ટ દ્વારા ગ્રીન તથા માન્યતા પ્રાપ્ત ફટાકડા કે જે ઓછા એનિશન ઉત્પન્ન કરે છે તેનાં ઉત્પાદન અને વેચાણની પરવાનગી આપવામાં આવેલ છે. આ સિવાયનાં તમામ પ્રકારનાં ફટાકડાનાં ઉત્પાદન અને વેચાણ પર નામ.સુપ્રિમ કોર્ટ દ્વારા પ્રતિબંધ મુકવામાં આવેલ છે.
2. ભારે ઘોંઘાટવાળા ફટાકડા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોવાથી તથા વધુ પ્રમાણમાં હવાનું પ્રદુષણ અને ઘન કચરો પેદા કરતાં બાંધેલા ફટાકડા (Joint firecrackers, Series crackers or Lari.) પર સુપ્રિમ કોર્ટ દ્વારા પ્રતિબંધ મુકવામાં આવેલ છે.
3. ફટાકડાનું વેચાણ માત્ર લાયસન્સધારક વેપારીઓ દ્વારા કરવાનું રહેશે. આ વેપારીઓએ સુપ્રિમ કોર્ટનાં આદેશ મુજબ માન્ય રાખવામાં આવેલ ફટાકડાઓનું જ પેચાણ કરવાનું રહેશે.
4. ઉપરાંત તમામ – કોમર્સ વેબસાઈટને ઓનલાઈન તમામ પ્રકારનાં ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મુકેલ છે.
5. ફટાકડા બનાવવા માટે બેરીયમનાં ઉપયોગ પર સુપ્રિમ કોર્ટે પ્રતિબંધ મુકેલ છે
6. દિવાળી તથા અન્ય તહેવારો કે જેમાં ફટાકડા ફોડવામાં આવે છે તેમાં ફટાકડા રાત્રે ૮.૦૦ થી ૧૦.૦૦ કલાક સુધી જ ફોડી શકાશે. તેમજ ક્રિસમસ અને નૂતન વર્ષનાં તહેવાર દરમિયાન ફટાકડા રાત્રે ૨૩.૫૫ કલાકથી ૦૦.૩૦ કલાક સુધી જ ફોડી શકાશે.
સુપ્રિમ કોર્ટના ઉક્ત આદેશ અન્વયે ગૃહ વિભાગનાં તા.૦૩/૧૧/૨૦૧૮નાં પરિપત્રથી દિવાળી તથા અન્ય તહેવારો તેમજ ક્રિસમસ અને નૂતન વર્ષનાં તહેવાર દરમિયાન રૂટાકડા ફોડવા સંબંધમાં જરૂરી સૂચનાઓ બહાર પાડવામાં આવેલ છે. જે અનુસાર સંબંધિત જિલ્લા મેજીસ્ટ્રેટ/પોલીસ ક્મિશનર દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ-૧૬૩ હેઠળ પ્રતિબંધાત્મક આદેશો બહાર પાડવામાં આવે છે.
ઉક્ત પરિપત્રનો અમલ હાલમાં ચાલુ હોઈ તેમાં જણાવ્યા મુજબ આગામી દિવાળી તથા અન્ય તહેવારો તેમજ ક્રિસમસ અને નૂતન વર્ષના તહેવાર દરમિયાન કાર્યવાહી કરવા આજ્ઞાનુસાર વિનંતી છે. જે અન્વયે જિલ્લા મેજીસ્ટ્રેટ/પોલીસ કમિશ્નરશ્રી દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ-૧૬૩ હેઠળના જરૂરી પ્રતિબંધાત્મક આદેશો સત્વરે બહાર પાડી તેની : ૬લ ગૃહ વિભાગને ઈ-મેલ (Address: so-sb2-home@gujarat.gov.in) પર અચૂક મોકલી આપવા વિનંતી છે.