અમદાવાદ : આઝાદીના અમૃત મહોત્સવની દેશભરમાં ઉજવણી થઈ રહી છે. ત્યારે સ્કૂલ- કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓથી લઈને નાગરિકો પણ દેશભક્તિમાં રંગમાં રંગાયા છે. આજે શહેરની અનેક સ્કૂલ, કોલેજના વિદ્યાર્થીઓએ આઝાદીના અમૃત મહોત્સવ હેઠળ તિરંગા યાત્રા યોજી હતી.12 તારીખથી ઠેર ઠેર તિરંગા યાત્રા શરૂ થઈ છે જે હજુ 2 દિવસ સુધી ચાલશે.આ ઉપરાંત સોસાયટીઓમાં લોકોએ ઘરે ઘરે અને કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં પણ દુકાનો આગળ તિરંગા લગાવી દેશભક્તિના રંગમાં રંગાયા છે.
અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી દ્વારા તિરંગા યાત્રા યોજવામાં આવી હતી. જેમાં યુનિવર્સિટી સંલગ્ન કોલેજ તથા ભવનોના વિદ્યાર્થીઓ તિરંગા યાત્રામાં જોડાયા હતા.2500થી વધુ વિદ્યાર્થીઓ હાથમાં તિરંગો લઈને યાત્રામાં જોડાયા હતા.આ ઉપરાંત શહેરમાં આવેલી એચ.બી.કાપડિયા સ્કૂલ, નવા વાડજની ડીપી કેમ્પસ, રાણીપની નિશાન સ્કૂલ, વેજલપુરની શાંતિ નિકેતન સ્કૂલ,એલ એન્ડ સી મહેતા આર્ટ્સ કોલેજ સહિતની અનેક સ્કૂલ કોલેજમાં તિરંગા યાત્રા યોજાઈ હતી. આ ઉપરાંત અનેક જગ્યાએ તિરંગા યાત્રા યોજાઈ હતી.