અમદાવાદ : ગુજરાત Ecological Education and Research-Gir Foundation દ્વારા ગાંધીનગર ખાતે જુદી-જુદી થીમ સાથે 2 થી 8 ઓક્ટોબર દરમિયાન ‘વન્યજીવ સપ્તાહ-2025’ ઉજવવામાં આવશે. ત્યારે અમદાવાદમાં આાગામી 7 ઓક્ટોબર સુધી કાંકરિયા સંગ્રહાલયમાં બાળકોને નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે.બાળકોને શૈક્ષણિક હેતુથી વન્ય પ્રાણીઓ પ્રત્યેનું જ્ઞાન મળી રહે તે હેતુથી ટેબલ શો તથા ફ્રેન્ડસ ઓફ ઝૂ યોજના હેઠળ જાણકારી અપાશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદમાં વન્ય પ્રાણીના સપ્તાહની ઉજવણીના ભાગરૂપે 1થી 7 ઓક્ટોબર સુધી 12 વર્ષ સુધીના બાળકો માટે અમદાવાદના કાંકરિયા સંગ્રહાલયમાં સવારે 9 થી 12 વાગ્યા સુધી મફતમાં પ્રવેશ આપવામાં આવશે. શહેરની તમામ શાળાના બાળકો પણ તેનો લાભ લઈ શકશે. દર વર્ષે મ્યુનિ, શાળાના બાળકો પણ પ્રવાસ કાર્યક્રમ યોજીને કાંકરિયા પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે આવતા હોય છે. તેમજ કાંકરિયા પ્રાણી સંગ્રહાલય ખાતે બાળકો માટે વાઈલ્ડ લાઈફ થીમ આધારીત ક્વીઝ, પોસ્ટર પ્રેઝન્ટેશન સહિતની વિવિધ શૈક્ષણિક ગેમ જેવા કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
કાંકરિયાનું જૂનું બાલવાટિકાનું 22 કરોડના ખર્ચે નવીનીકરણ થયું છે. અહીં બાળકો તેમજ યુવાનોને પસંદ આવે તેવી વિવિધ એક્ટિવિટીઝ ને નવા રૂપ રંગમાં નિર્માણ કરવામાં આવ્યું છે.તાજેતરમાં જ કાંકરિયા પરિસરમાં નવીનીકરણ કરાયેલ બાલવાટિકાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં બાળકો માટે અવનવી રાઈડ્સ તેમજ સૌથી ઊંચો ગ્લાસ ટાવર, ભુલભુલૈયા, મહાન વ્યક્તિઓની આબેહૂબ પ્રતિમાવાળું મ્યુઝિયમ, ઇલ્યુઝમ હાઉસ વગેરે એક્ટિવિટી ઉમેરાઈ છે.