અમદાવાદ : હાલમાં જ અમદાવાદ શહેરમાં એક રિક્ષાચાલક પ્રામાણિકતાનો ઉમદા કિસ્સો જોવા મળ્યો. આ ઘટના વિશે જાણીને તમે પણ આશ્ચય પામી જશો કે, આવું કંઈ રીતે શક્ય બની શકે. અમેરિકાથી અમદાવાદ આવેલી NRI મહિલા રિક્ષામાં તેના સંબંધીને ત્યાં જતી વખતે દોઢ લાખનો આઈફોન, 5 હજાર રોકડા અને ઘરની ચાવીઓનો ઝુડો ભરેલું પર્સ મહિલા રિક્ષામાં ભૂલી ગઈ હતી. જો કે રિક્ષાચાલકે પ્રમાણિક્તા બતાવી મહિલાને પર્સ પાછું આપી દીધુ હતું.
ગત સોમવારે રાતે રમેશ પટેલ નામના રિક્ષાચાલક નારણપુરામાં હતા ત્યારે એક 55 વર્ષીય મહિલા તેમની રિક્ષામાં બેઠી હતી. બાદમાં રમેશભાઈ રિક્ષા લઈને નવરંગપુરા તરફ ગયા, ત્યારબાદ રિક્ષામાં રમેશભાઈને પર્સ મળી આવતા પોતાની પાસે રાખ્યું હતું, પર્સની અંદર 1.50 લાખનો આઈફોન, પાંચ હજાર રોકડા અને ઘરની ચાવીઓ જ હતી. જેથી રમેશભાઈએ મોબાઈલ તેમની પાસે રાખ્યો હતો.
થોડા સમય પછી જે મહિલાનું પર્સ હતું તેનો તે નંબર પર ફોન આવતા રમેશભાઈએ તેમનો સામાન રિક્ષામાં ભૂલીને જતાં રહ્યાં હોવાનું જણાવી, રમેશભાઈએ પર્સ લેવા માટે મહિલાને કાલુપુર બોલાવીને મહિલાને પર્સ પરત સોંપ્યું હતું. મહિલાએ પર્સ ખોલીને જોયું તો એક પણ વસ્તુ આઘીપાછી થઈ ન હતી. મહિલાએ રિક્ષાચાલકનો આભાર માન્યો હતો. મહિલાને તેનું પર્સ પરત મળતા તેણે ખુશ થઈને રૂ.1 હજાર રિક્ષાચાલકને આપ્યા હતા.