અમદાવાદ : શહેરની 332 સ્કૂલો વિરુદ્ધ જિલ્લા શિક્ષણાધિકારી (DEO) દ્વારા કડક પગલાં લેવાયા છે. સ્કૂલો દ્વારા યુ-ડાયસ પોર્ટલ પર વિદ્યાર્થીઓની માહિતી અપલોડ ન કરવા બદલ નોટિસ ફટકારવામાં આવી છે. નોટિસમાં સ્કૂલોની માન્યતા રદ કરવા સુધીની ચીમકી પણ આપવામાં આવી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદમાં 332 શાળાઓને નોટિસ ફટકારવામાં આવી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. આ શાળાઓએ યુ-ડાયસ પોર્ટલ પર 64,000 વિદ્યાર્થીઓની ઓનલાઈન એન્ટ્રી કરાવી નથી, જેના પગલે જિલ્લા શિક્ષણાધિકારીએ નોટિસ ફટકારી છે. શાળાઓને વિદ્યાર્થીઓનું ઓનલાઈન રજિસ્ટ્રેશન પૂર્ણ કરવા માટે 15 જુલાઈ સુધીનો સમય આપવામાં આવ્યો હતો, પરંતુ તેમણે આ ફરજિયાત નિયમનું પાલન કર્યું નથી.રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના શૈક્ષણિક ડેટા માટે ઉપયોગમાં લેવાતા આ પોર્ટલમાં દર વર્ષે વિદ્યાર્થીઓ અને શિક્ષકોના તમામ ડેટાની એન્ટ્રી ફરજિયાત ગણવામાં આવે છે.
DEOએ આ નિયમનો ભંગ કરનાર શાળાઓને માન્યતા રદ્દ કરવાની ચેતવણી આપી છે. એટલું જ નહીં, આ શાળાઓના પ્રિન્સિપાલને તાત્કાલિક શિક્ષણ અધિકારી સમક્ષ ખુલાસો રજૂ કરવા માટે આદેશ પણ આપવામાં આવ્યો છે. આ ગંભીર બેદરકારીને કારણે વિદ્યાર્થીઓના શૈક્ષણિક રેકોર્ડ અને સરકારી યોજનાઓના લાભો પર અસર થવાની સંભાવના છે.
DEO કચેરીના જણાવ્યા અનુસાર, 60થી વધુ સ્કૂલો એવી છે જેઓની 100 ટકા કામગીરી હજુ પણ પેન્ડિંગ છે. સ્કૂલોની ઘોર નિષ્ફળતા છતાં વારંવાર સૂચનાઓ આપવામાં આવ્યા બાદ પણ યોગ્ય પગલાં લેવાતા ન હોઈને આ કડક પગલું લેવાયું છે.