અમદાવાદ : સામાન્ય રીતે મેટ્રો ટ્રેન રાત્રે 10:00 વાગ્યા સુધી ચાલે છે, પરંતુ દિવાળીની રાત્રે જાહેર જગ્યાઓ પર ફટાકડા ફૂટવાની સંભવિત અસરો અને મુસાફરોની સલામતી તથા સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આમ, મેટ્રોમાં મુસાફરી કરનારા પ્રવાસીઓએ નોંધ લેવી કે સોમવારે સાંજે 7:20 પછી મેટ્રો ટ્રેન સેવા ઉપલબ્ધ રહેશે નહીં. બીજા દિવસથી મેટ્રો ટ્રેન રાબેતા મુજબ તેના નિયમિત સમયે દોડશે.
GMRC ના જણાવ્યા મુજબ, દિવાળીના પર્વે (20મી ઓક્ટોબર) તમામ સ્ટેશનો પરથી ઓપરેટ થતી મેટ્રો ટ્રેનના સમયમાં ત્રણ કલાકનો ઘટાડો કરવામાં આવ્યો છે.દિવાળીના તહેવારની ઉજવણીના અવસરે જાહેરમાં ફટાકડા ફોડવા અને તેની સંભવિત અસરોને તથા મુસાફરો તેમજ મેટ્રો રેલની સુરક્ષા-સલામતીને ધ્યાનમાં રાખીને તારીખ 20.10.2025 ના રોજ અન્ય મેટ્રો કોર્પોરેશનની જેમ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા એક દિવસ માટે મેટ્રો ટ્રેનનો સમય સવારે 6:20 થી સાંજના 7 વાગ્યા સુધી ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.હાલમાં અમદાવાદમાં મેટ્રો ટ્રેન સેવાઓ સવારે 6:20 થી રાત્રે 10:00 વાગ્યા સુધી કાર્યરત છે.

દિવાળીના તહેવાર પર 20.10. 2025 ના રોજ છેલ્લી ટ્રેનના પ્રસ્થાનનો સમય દરેક ટર્મિનલ સ્ટેશનથી જેમકે, અમદાવાદ કોરિડોરમાં મોટેરા સ્ટેડિયમ, એપીએમસી, વસ્ત્રાલ ગામ અને થલતેજ ગામ તથા ગાંધીનગર કોરિડોરમાં સચિવાલય અને ગિફ્ટ સિટીથી નીચે મુજબનો રહેશે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત મેટ્રો રેલ પ્રોજેક્ટ રાજ્યના વિકાસનું પ્રતીક બનીને ઉભર્યો છે. ગુજરાત મેટ્રોની સફર વર્ષ 2025માં નવા આયામો સર કરી રહી છે. શરૂઆતમાં જ્યાં દિવસના સરેરાશ 35 હજાર મુસાફરો મુસાફરી કરતા હતા, તે આંકડો આજે વધીને 1.5 લાખ સુધી પહોંચ્યો છે. અત્યાર સુધીમાં મેટ્રોમાં કુલ 10.38 કરોડ નાગરિકોએ મુસાફરી કરી છે, જે તેની લોકપ્રિયતા દર્શાવે છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનએ 99.84 ટકા સમયસર સેવા આપીને મુસાફરોનો વિશ્વાસ જીત્યો છે.
દિવાળીના દિવસે છેલ્લી ટ્રેન ઉપડવાનો સમય (20-10-2025)
વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ તરફ સાંજે 7:05 કલાકે
થલતેજ ગામથી વસ્ત્રાલ ગામ તરફ સાંજે 7:10 કલાકે
મોટેરા સ્ટેડિયમથી એપીએમસી તરફ સાંજે 7:10 કલાકે
એપીએમસી થી મોટેરા સ્ટેડિયમ તરફ સાંજે 7:10 કલાકે
એપીએમસી થી સચિવાલય તરફ સાંજે સાંજે 6:24 કલાકે
સચિવાલય થી એપીએમસી તરફ સાંજે સાંજે 6:24 કલાકે
ગિફ્ટ સિટીથી એપીએમસી તરફ સાંજે સાંજે 6:18 કલાકે


