અમદાવાદ : ગુજરાત પર ફરી એકવાર આફતના વાદળો મંડરાઈ રહ્યા છે. હવામાન વિભાગ અને આગાહીકાર અંબાલાલ પટેલે રાજ્યમાં માવઠાની ચેતવણી આપી છે. આજથી 30 ઓક્ટોબર સુધી અને નવેમ્બરમાં પણ વરસાદનું સંકટ ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી શકે છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે 26 ઓક્ટોબરના રોજ બોટાદ, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત ડાંગ, તાપી, નર્મદા, વડોદરા, છોટાઉદેપુર, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદરમાં યલો એલર્ટની સાથે ભારે વરસાદની આગાહી છે.
આગામી પાંચ-સાત દિવસ માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 26, 27એ અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. 6 ઓક્ટોબરે ભારેથી અતિભારે વરસાદની શક્યતા. અરબી સમુદ્રમાં સિસ્ટમની હિલચાલને પગલે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. દક્ષિણ ગુજરાતના પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે. પરંતુ સૌથી મોટી ચિંતા ખેડૂતોની છે, જેમનો તૈયાર પાક હવે માવઠાના ભરડામાં આવી શકે છે.
તો 28 ઓક્ટોબરથી વરસાદનું જોર ઓછું થતું દેખાશે. તે દિવસે વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે. બાકીના ભાગોમાં કોઈ એલર્ટ આપવામાં આવ્યું નથી.


