અમદાવાદ : શહેરના ઘાટલોડિયામાં આવેલા અર્જુન રેસીડેન્સીમાં પીસીબીએ દરોડો પાડીને મહિલા વિશ્વકપની ફાઇનલ મેચ પર કારમાં બેસીને ક્રિકેટ સટ્ટો રમાડતા બુકીને ઝડપી લીધો હતો. બુકીના ફ્લેટમાંથી પોલીસને વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. જેમાં સુનિલ ઠક્કર નામના સટ્ટોડીયાની ધરપકડ કરી હતી.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, પીસીબી (પ્રિવેન્સન ઓફ ક્રાઈમ બ્રાંચ)ના પીઆઇ જે પી જાડેજાને બાતમી મળી હતી. જેના આધારે સ્ટાફે દરોડો પાડીને પાર્કિગમાં તપાસ કરતા સીપીનગર અર્જુન ટાવર રોડ પર આવેલી અર્જુન રેસીડેન્સીમાં કારમાં બેઠેલા સુનિલ ઠક્કરને ઝડપી લીધો હતો. તે મોબાઇલ ફોન પર સટ્ટા બેટિંગના આઇડીમાં લોગઇન કરીને સટ્ટો બુક કરતો હતો. પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તેણે 10 લાખ રૂપિયામાં માસ્ટર આઇડી ખરીદી કર્યું હતું અને તેણે અન્ય બુકીઓને પણ લોગઇન આપીને નાણાં લીધા હતા. પોલીસને તેના ઘરમાં તપાસ કરી ત્યારે બ્રાંડેડ વિદેશી દારૂની છ બોટલો મળી આવી હતી. જે તેણે વિદેશ પ્રવાસ દરમિયાન ખરીદી કરી હતી. આ અંગે પોલીસે સટ્ટા બેટિંગ અને પ્રોહીબીશનનો ગુનો નોંધીને કાર્યવાહી કરી છે.
આરોપીએ મેચ પર સટ્ટો રમવા માટે સાયસન્સ સીટીમાં રહેતા વિપુલ ઠક્કર નામના બુકી પાસેથી આઈડી લીધી હતી. સુનિલના ઘરે રેડ કરી ત્યારે ઘાટલોડીયા પોલીસને ઈમ્પોર્ટેડ વિદેશી દારૂની 6 બોટલો પણ જપ્ત કરી હતી. પોલીસે સુનિલ વિરૂદ્ધ દારૂ છુપાવવાનો પણ ગુનો દાખલ કર્યો છે જ્યારે ક્રિકેટ સટ્ટાનો પણ ગુનો દાખલ કર્યો છે.


