અમદાવાદ : શહેરમાં અવારનવાર ગમખ્વાર અકસ્માતના સમાચાર સામે આવે છે. શહેરના સરખેજ વિસ્તારના ઉજાલા સર્કલ પાસે રાતના સમયે એક કાર બ્રિજ ઉપરથી પલટી ગઈ હતી. આ દુર્ઘટનામાં કારમાં સવાર બે મિત્રોના મોત થયા હોવાનું જાણવા મળે છે. સમગ્ર મામલે ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, કારમાં જઇ રહેલા જીવરાજ પાર્કના રહીશ સંદીપ શાહ (ઉ.વ. 35) અને સરખેજના રહીશ વસાવાના (ઉ.વ. 28) મૃત્યું નિપજ્યા છે.રાતે 11 કલાકેની આસપાસ એસજી હાઇવે પર ઉજાલા બ્રિજ પરથી આ બંને મિત્રો ઇનોવા કાર લઇને જઇ રહ્યા હતા. આ દરમિયાન ઇનોવા કાર બે વાર પલટી ખાઇ ગઇ હતી. જેથી કાર બ્રિજ પરથી નીચે પટકાઇ હતી.
પોલીસના જણાવ્યા પ્રમાણે, આ બંને મિત્રો હતા. સંદિપ કોન્ટ્રાક્ટ પર ભાડેથી ઇનોવા ચલાવતો હતો. આ કાર કઇ રીતે પલટી ખાઇ ગઇ હજી તે સામે આવ્યું નથી. આ બંને મિત્રો ક્યાં જઇને આવ્યા હતા અને ક્યાં જઇ રહ્યા હતા તે હજુ સ્પષ્ટ થયું નથી. ટ્રાફિક એમ ડિવિઝન પોલીસે મૃતક સંદીપ શાહ સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.