અમદાવાદ : શહેરની સિવિલ હોસ્પિટલ સંકુલમાં આવેલી ધ ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GCRI) કેન્સરના નિદાન માટે એક મોટું પગલું ભર્યું છે. આરોગ્ય પ્રધાન દ્વારા હોસ્પિટલના ન્યુક્લિયર મેડિસિન વિભાગમાં રૂપિયા 44 લાખની કિંમતના બે અત્યાધુનિક, જર્મન ટેકનોલોજીના પેટ સીટી અને સ્પેક્ટ સીટી મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, GCRIના ડિરેકટર ડો. શશાંક પંડયાએ જણાવ્યું કે આ મશીનોની મદદથી દર્દીના આખા શરીરનું સ્કેનિંગ માત્ર 5 મિનિટમાં કરીને કેન્સરગ્રસ્ત અંગનું સચોટ નિદાન થઈ શકશે. અગાઉ 1 કલાકમાં માત્ર 4 રિપોર્ટ થતા હતા, જે હવે વધીને 10 થશે, જેથી સારવાર ઝડપી બનશે.આ સાથે જ, સિવિલની સ્પાઈન ઇન્સ્ટિટ્યુટના પ્રોસ્થેટિક્સ અને ઓર્થોટિક્સ (PO) વિભાગમાં ONGC દ્વારા CSR હેઠળ રૂ।. 20 લાખના 3 અદ્યતન મશીનોનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે, જેનો લાભ દરરોજ આવતા સરેરાશ 5થી 7 કૃત્રિમ અંગોના દર્દીઓને મળશે.
જ્યાં ખાનગી સેન્ટરોમાં આ રિપોર્ટનો ખર્ચ રૂ 25 થી 40 હજાર થતો હોય છે, તે જ રિપોર્ટ GCRIમાં માત્ર રૂ 10 થી 15 હજારમાં ઉપલબ્ધ થશે. આ મશીનો હૃદયની સ્થિતિ, કાર્ડિયાક પ્લાનિંગ અને વિવિધ પ્રકારના કેન્સરના નિદાનમાં મદદરૂપ થશે.અમદાવાદ સિવિલમાં સારવાર માટેના મશીનોમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે.


