અમદાવાદ : આજકાલ લોકોને વિદેશ જવાની ખૂબ લાલચ જાગી છે, ત્યારે શહેરના રાણીપ વિસ્તારમાં રહેતા યુવક અને તેની પત્નીને કેનેડા ખાતે મોકલવાની બાહેધરી આપીને પરમેનન્ટ રેસિડન્સી (PR) વિઝા કરાવવાના નામે 35 લાખ પડાવી છેતરપિંડી કરી હોવા અંગેની ફરિયાદ રાણીપ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.આ કેસમાં કેનેડા સ્થિત પિતા અને તેની પુત્રી સહિત ચાર લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, રાણીપ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆર મુજબ શહેરના રાણીપ વિસ્તારમાં નવનિર્માણ સ્કૂલ સામે આવેલી વરાહ પ્રભુ સોસાયટીમાં રહેતા અને દરિયાપુરમાં હાર્ડવેરની દુકાન ધરાવતા ફરિયાદી વિષ્ણુભાઈ પટેલનો સંપર્ક જૂન 2023માં તેમની સાસુ મારફતે અશ્વિનભાઈ પટેલ નામના શખ્સે કર્યો હતો. અશ્વિનભાઈએ પોતે કેનેડામાં ઇમિગ્રેશન કન્સલ્ટન્ટ હોવાનો દાવો કર્યો અને વિષ્ણુભાઈ તથા તેમની પત્નીને રૂ.70 લાખમાં PR વિઝા કરાવી આપવાની ખાતરી આપી. એટલું જ નહીં, તેણે IELTS પરીક્ષા પણ ‘સેટિંગ’થી પાસ કરાવી દેવાનું વચન આપ્યું હતું. અશ્વિનભાઈ પર વિશ્વાસ કરીને વિષ્ણુભાઈએ પ્રારંભિક એડવાન્સ તરીકે રૂ.35 લાખ આપવાનું નક્કી કર્યું.
ફરિયાદીના જણાવ્યા મુજબ, તેમણે જુલાઈ 2023માં અશ્વિનભાઈ કેનેડા ગયા બાદ રૂ.10 લાખ રોકડા અને રૂ.25 લાખના પાંચ અનસાઇન્ડ ચેક અશ્વિનભાઈની પુત્રી સુવર્ણાબેન પટેલ (ઉર્ફે ટીના પટેલ)ને આપ્યા હતા. આરોપીઓએ કહ્યું હતું કે અશ્વિનભાઈની ગેરહાજરીમાં સુવર્ણાબેન તમામ પેપરવર્ક અને પેમેન્ટ સંભાળશે. વિષ્ણુભાઈએ પોતાના અને પત્નીના પાસપોર્ટ, શૈક્ષણિક દસ્તાવેજો વગેરે પણ વોટ્સએપ પર મોકલી આપ્યા હતા.પોલીસના જણાવ્યા અનુસાર,ફરિયાદીએ આપેલા પાંચેય ચેક અશ્વિનભાઈ પટેલ, સૂરજભાઈ પ્રજાપતિ અને જીગરભાઈ પટેલના અલગ-અલગ ખાતામાં જમા કરવામાં આવ્યા હતા. આ ટ્રાન્ઝેક્શનની જાણ વિષ્ણુભાઈને પાસબુક ચેક કરતાં થઈ હતી.થોડા અઠવાડિયા પછી આરોપીઓએ જાણ કરી કે IELTSનું ‘સેટિંગ’ થઈ શક્યું નથી અને વિષ્ણુભાઈએ જાતે જ પરીક્ષા આપવી પડશે.
વારંવાર ખાતરી આપવા છતાં PR વિઝાની ફાઈલ આગળ ન વધતા વિષ્ણુભાઈને શંકા ગઈ. જ્યારે તેમણે ઉઘરાણી કરી તો અશ્વિનભાઈએ વિષ્ણુભાઈની સાસુના વોટ્સએપ પર એક નકલી (PDF) લેટર માર્કેટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ (LMIA) લેટર મોકલીને પ્રક્રિયા ચાલુ હોવાનો દેખાવ કર્યો. જોકે, વિષ્ણુભાઈએ ચકાસણી કરતાં આ દસ્તાવેજ બોગસ હોવાનું માલુમ પડ્યું હતું.જેથી અશ્વિનભાઈને ફોન ઉપર સંપર્ક કર્યો અને સુવર્ણાને વાત કરતા તેઓએ પણ ગોળગોળ જવાબ આપ્યા હતા. જેથી બંને દ્વારા રૂ. 35 લાખ લઈને કેનેડા ન મોકલી છેતરપિંડી કરવામાં આવી હોવાથી રાણીપ પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


