અમદાવાદ : અમદાવાદના ગોતા વિસ્તારમાં વંદે માતરમ રોડ પર આવેલા શાયોના તિલક નજીક શનિવારે (15મી નવેમ્બર) રાત્રે અકસ્માત સર્જાયો હતો. અહીં રોડ સાઈડમાં પાર્ક કરેલી કારને પાછળથી પોલીસની 112 જનરક્ષક ગાડીએ જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત બાદ ઘટનાસ્થળે એકત્ર થયેલા સ્થાનિક લોકોએ ડ્રાઈવર પર નશાની હાલતમાં હોવાનો આક્ષેપ કર્યો હતો.આ બનાવમાં ‘એ’ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત નો ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના ગોતા વંદે માતરમ્ રોડ પર સાયોના તિલક પાસે 15 નવેમ્બરની મોડીરાત્રે એક કારચાલક પોતાની કાર સાઈડમાં પાર્ક કરીને અંદર બેઠો હતો. કાર પાર્ક થયાને એક મિનિટ જેટલો સમય થયો ત્યાં પાછળથી પૂરપાટ આવેલી પોલીસની 112 જનરક્ષક ગાડીએ તેને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી જોરથી વાગી હતી કે, પાર્ક કરેલી ગાડી પણ 10 ફૂટ સુધી દૂર જતી રહી હતી.આ અકસ્માત થતાંની સાથે જ સ્થાનિકો ભેગા થઈ ગયા હતા અને તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. સ્થાનિક લોકોએ જ્યારે 112 જનરક્ષક ગાડીની અંદર તપાસ કરી, ત્યારે ગાડીમાંથી તૂટેલી હાલતમાં સીરપની એક બોટલ મળી આવી હતી, જેને કારણે ડ્રાઇવર નશામાં હોવાની આશંકા વધુ મજબૂત બની હતી. સ્થાનિકોએ દાવો કર્યો છે કે, પોલીસની ગાડીનો ડ્રાઇવર નશાની હાલતમાં હતો, જેના કારણે આ અકસ્માત સર્જાયો.
બનાવની જાણ થતાં જ એ ડિવિઝન ટ્રાફિક પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને અકસ્માત નો ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.પોલીસ અધિકારીના જણાવ્યાનુસાર, અકસ્માત કરનાર પોલીસ ડ્રાઇવરને મેડિકલ તપાસ માટે મોકલવામાં આવ્યો છે. કારમાંથી જે સીરપની બોટલ મળી આવી છે, તે મામલે સોલા પોલીસને જાણ કરવામાં આવી છે. સોલા પોલીસ આ સીરપની બોટલ કયા પ્રકારની છે અને કયા કારણોસર ગાડીમાં હતી, તે અંગે તપાસ કરશે.
ઉલ્લેખનીય છે કે, પોલીસના જ વાહન દ્વારા અકસ્માત સર્જાતા અને તેમાં નશાના પદાર્થની શંકાસ્પદ બોટલ મળી આવતા, આ મામલો શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.


