અમદાવાદ : ચૂંટણીઓ આવતા રાજકીય પક્ષો સાથે વર્ષો જૂની માંગણીઓને લઈને હાઉસીંગના હોદ્દેદારો દ્વારા નારણપુરામાં એક ચાય પે ચર્ચા ‘મિટિંગ’ યોજાઈ હતી. જેમાં ગુજરાત હાઉસિંગ વસાહત મંડળના હોદ્દેદારોએ હાઉસીંગના રહીશોની પડતર માંગણીઓ અને આગામી સમયમાં સરકાર માંગણીઓ સ્વીકારે નહિ તો શું પગલાં ભરવા વગેરે મુદ્દે ચર્ચા વિચારણા કરી હતી.
નારણપુરામાં ચાય પે ચર્ચાના અનુસંધાનમાં ગુજરાત હાઉસીંગ વસાહત મંડળના હોદ્દેદારોની મિટિંગ મળી હતી. જેમાં હજુ સુધી દસ્તાવેજના વધારાના બાંધકામની અસહ્ય દંડ તથા બીજુ સર્વિસ ચાર્જ ઉપર લેવાતી પેનલ્ટી અને વ્યાજ માફ કરવા અને રિડેવલપમેન્ટમાં સોસાયટીના બે ભાગ ન પાડવા વગેરે રજૂઆતોને ધ્યાનમાં લઈને હજુ સુધી સરકારમાં કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી, જેને લઈને આગામી પગલા શું ભરવા તે માટે ખાસ ચર્ચા થઈ હતી.
આજની આ મીટીંગ દરમિયાન મંડળના હોદ્દેદાર દિપકભાઈ પટેલે નારણપુરા ધારાસભ્ય અને પૂર્વ મહેસુલ મંત્રી કૌશિકભાઈ પટેલ સાથે ટેલિફોનિક વાત કરી હતી. જે મુજબ દસ્તાવેજના પડતર પ્રશ્નો તથા રિડેવલપમેન્ટની પોલિસી બાબતે મુખ્યમંત્રીની ઓફિસમાં પેન્ડિંગ હોવાનું જણાવ્યું હતું અને તેઓ આ બાબતે સતત સરકારના સંપર્કમાં છે એવું પણ તેમણે જણાવ્યું હતું .
આ મીટીંગ દરમિયાન બીજો એક સુર એવો હતો કે હાઉસીંગના પ્રશ્ન બાબતે આજના સમયની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને હાઉસીંગનો રહીશ કે જે હાઉસીંગના રહીશો વચ્ચે સક્રિય હોય તેવો કોઈ મજબૂત પ્રતિનિધિ રાજકારણમાં ચૂંટાયેલો પ્રતિનિધિ ન હોવાથી આપણે આ બધા આંદોલનો અને રજૂઆતો કરવી પડે છે. તેથી આગામી સમયમાં સત્તાધારી પક્ષમાં ટિકિટ માગવી અથવા મજબૂત પક્ષમાંથી ટિકિટ લઈને તેને જીતાડવો જોઈએ.
ગુજરાત હાઉસિંગ વસાહત મંડલ વતી દિનેશ બારડે જણાવ્યું હતું કે આગામી નજીકના સમયમાં સોસાયટીઓના હોદ્દેદારો અને કાર્યકરોને પૂછીને આગામી રણનીતિના ભાગરૂપે હાઉસીંગની દરેક સોસાયટીમાં ગ્રૂપ મીટિંગના આયોજન દ્વારા રહીશોમાં જાગૃતિ લાવવી અને ત્યાર બાદ રહીશોના મત મુજબ ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન નક્કી કરાશે.