અમદાવાદ : શહેરની પ્રસિદ્ધિમાં વધુ એક યશ કલગી ઉમેરવા જઇ રહી છે. શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતો અટલ ફુટ ઓવર બ્રિજ (પેડેસ્ટ્રીયન બ્રિજ) ટૂંક સમયમાં જ લોકો માટે ખુલો મુકાશે. પીએમ મોદીના હસ્તે આગામી 27 ઓગષ્ટના રોજ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજીત કાર્યક્રમમાં ઇ લોકાર્પણ કરવામાં આવશે. ઉદઘાટન પહેલાં અટલ બ્રિજને રોશનીનો શણગાર કરાયો હતો.
અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતાં અટલ ફૂટ ઓવરબ્રિજની ડિઝાઈન પતંગ અને ઉત્તરાયણ ઉપરથી પ્રેરિત છે. તેમાં પસંદ કરાયેલ કલર્સ પણ પતંગની યાદ અપાવે છે. આ ગ્લાસ ફૂટ ઓવર બ્રિજ સરદાર બ્રિજ અને એલિસબ્રિજ વચ્ચે બનાવાયો છે. નદીનો અદભૂત નજારો માણવા માટે આ બ્રિજ ઉપર બેસવાની પણ વ્યવસ્થા છે. આ બ્રિજને બનાવવા માટે 2700 ટન સ્ટીલનો ઉપયોગ કરાયો છે. તે 300 મીટર લાંબો અને 100 મીટર પહોળો છે. તેમાં આરસીસીનું ફ્લોરિંગ અને ગ્લાસ તેમજ સ્ટેનલેસ સ્ટીલની રેલિંગ્સ પણ છે. બ્રિજના બંને છેડે પાર્કિંગની પણ વ્યવસ્થા છે.
સદર આઇકોનીક બ્રિજ રીવરફ્રન્ટ ડેવલપમેન્ટ તેમજ અમદાવાદ શહેર માટે એક સ્ટેટસ બનશે. આ બ્રિજ એક એન્જિનિયરિંગ અજાયબી તરીકે ઓળખાશે. બ્રિજ પશ્ચિમ કાંઠે ફલાવર ગાર્ડન તથા ઇવેન્ટ ગ્રાઉન્ડના વચ્ચે પ્લાઝમાંથી થઇ પૂર્વ કાંઠે બનનાર એક્ઝિબિશન, કલ્ચરલ, આર્ટ સેન્ટરને જોડાશે. બ્રિજના કારણે અમદાવાદના લોકો સાબરમતી નદી તથા સાબરમતી રિવરફ્રન્ટ ટ્રાફિક વગર શાંતિથી માણી શકાશે.