અમદાવાદ : શહેરના રાણીપ વિસ્તારમાં રહેતા વેપારીએ આત્મહત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં વ્યાજખોરોએ ત્રાસ આપતાં પહેલા વેપારીની પત્નીએ આત્મહત્યા કરી અને થોડા સમય બાદ વેપારીએ પણ આત્મહત્યા કરી લીધી છે. આ દંપતીના આપઘાત કેસમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. જ્યારે બે વ્યાજખોરની શોધખોળ શરૂ કરી.
રાણીપમાં વ્યાજખોરના ત્રાસથી મિનરલ વોટર ધંધો કરતા નિકુંજ પંચાલ પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો. આપઘાત પહેલા એક સ્યુસાઇડ નોટ લખી હતી. જેમાં વ્યાજખોર રાકેશ નાયક, તેનો ભાગીદાર દેવાંગ સથવારા અને અનિલ પટેલનો ઉલ્લેખ કર્યો હતો. ઘટનાની વાત કરીએ તો નિકુંજ પંચાલે ધંધાના અર્થે રાકેશ નાયક અને દેવાંગ સથવારા પાસેથી 10 લાખ રૂપિયા 4 ટકાના વ્યાજે લીધા હતા. 10 લાખ ચૂકવ્યા બાદ પણ વ્યાજના 8 લાખની પઠાણી ઉઘરાણી કરીને માનસિક ત્રાસ આપતા હતા.
વ્યાજખોરના ત્રાસથી કંટાળીને નિકુંજભાઈના પત્નિ શ્વેતાબેન 2 જુનના રોજ આપઘાત કર્યો હતો. તેમ છતાં આ બંને વ્યાજખોર પૈસાની ઉઘરાણી કરવા ઘરે આવતા હતા. જેથી કંટાળીને નિકુંજ ભાઈએ પણ આપઘાત કર્યો. આ ઘટનાથી એકનો એક દીકરો ગુમાવનાર માતા આઘાતમાં સરી પડી છે. આ પરિવાર વ્યાજખોરને સજા મળે તેવી માંગ કરી રહ્યા છે.