અમદાવાદ : ગુજરાતમાં હાઈકોર્ટમાં રખડતાં ઢોર મુદ્દે આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જે દરમ્યાન એકવાર ફરી હાઈકોર્ટે વહીવટી તંત્રને આડે હાથ લીધું હતું. હાઇકોર્ટે ઉધડો લેતા કહ્યું કે, ‘માત્ર ફરિયાદો જ થાય છે કે ધરપકડ પણ કરાય છે? રખડતા ઢોરની સંખ્યા પ્રમાણે AMCની કાર્યવાહી ધીમી છે. એક પણ કિસ્સામાં કડકાઈથી કામગીરી કરી હોય તો જણાવો. દર વખતે આંસુ સારવાથી કામ નહીં ચાલે. ઢોર પાર્ટી પર હુમલો કરનારા સામે ફરિયાદ નોંધો.’
મહત્વનું છે કે, હાઈકોર્ટે 3 દિવસમાં કામગીરી કરી રખડતાં ઢોર રોડ રસ્તા પરથી દૂર કરવા આદેશ કર્યા હતા તેમ છતાં તંત્રની કામગીરી માત્ર કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે સ્માર્ટ સિટી અમદાવાદના સેટેલાઇટ, પાંજરા પોળ અને નેહરુનગર જેવાં પોશ વિસ્તારમાં હજુ પણ લોકોને રખડતાં ઢોર પરેશાન કરી રહ્યાં છે. જેના કારણે સ્થાનિકોએ તંત્ર પર રોષ ઠાલવ્યો હતો. તંત્ર હજુ પણ રખડતા ઢોરને પકડવામાં ઢીલાશ દાખવી રહ્યું છે.
જેના લીધે હાઇકોર્ટે તમામ પાલિકાઓને કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે. આજથી એક સપ્તાહ સુધી કડક કાર્યવાહી કરવા હાઇકોર્ટે તમામ પાલિકાઓને સૂચન કર્યું છે. તમામ પાલિકા અને મનપાને ઢોર પકડવાની કામગીરી કરવાની હાઇકોર્ટે સૂચના આપી છે.