અમદાવાદ : અમદાવાદ શહેર, જે ગુજરાતનું આર્થિક કેન્દ્ર તરીકે ઓળખાય છે, તેમાં છેલ્લા કેટલીક વર્ષોમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે નોંધપાત્ર વિકાસ જાેવા મળ્યો છે. ગુજરાત હાઉસિંગ બોર્ડ (GHB) દ્વારા વિકસિત જૂની સોસાયટીઓના રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સને કારણે શહેરની સ્કાયલાઈન બદલાઈ રહી છે. આ રીડેવલપમેન્ટ પછી જુના ફલેટની સરખામણીમાં નવા બનેલ ફ્લેટોની કિંમતોમાં ભારે વધારો થયો છે, જેનું કારણ આધુનિક સુવિધાઓ, વધુ FSI (ફ્લોર સ્પેસ ઈન્ડેક્સ) અને માંગ-પુરવઠાનું અસંતુલન છે.જેના કારણે શહેરીજનોમાં રીડેવલપમેન્ટનો ક્રેઝ વધ્યો હોવાનું જાણકારો માની રહ્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ, સમગ્ર રાજયમાં ગુજરાત હાઉસિંગ બોર્ડની 60 સોસાયટીઓમાં રીડેવલપમેન્ટની કામગીરી ચાલી રહી છે, જેમાં ફક્ત અમદાવાદમાં જ 53 જેટલી સોસાયટીઓમાં રીડેવલપમેન્ટ માટે ટેન્ડરની પ્રક્રિયા પુરી કરી ડેવલપરની નિમણુંક કરવામાં આવી છે. જેમાં અમદાવાદમાં 10 સોસાયટીઓમાં રીડેવલપમેન્ટમાં કન્સ્ટ્રકશનની કામગીરી પુરજાેશમાં ચાલી રહી છે. આ 10 સોસાયટીઓમાં રેરાની મંજુરી આવી જતા ડેવલપરોની દ્વારા મુળ લાભાર્થી સિવાય અન્ય નવા ફલેટોનું વેચાણ પણ શરૂ કર્યું છે.જેમાં સોસાયટીમાં જુના ફલેટની સરખામણીમાં નવા ફલેટોમાં 30 થી 40 ટકાનો વધારો જાેવા મળી રહ્યો છે.
રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલ જાણકારો મુજબ, નારણપુરામાં મોટી સંખ્યામાં સોસાયટીઓ રીડેવલપમેન્ટમાં જાેડાઈ રહી છે ત્યારે ડેવલપર્સ પણ નારણપુરા વિસ્તારમાં રસ દાખવી રહ્યા છે.કારણ કે રીડેવલપમેન્ટ બાદ નવા ફલેટની કિંમતોમાં 30 થી 40 ટકાનો વધારો જાેવા મળી રહ્યા છે. જેમાં નારણપુરાની સૌથી પહેલી એકતા ફેસ્ટીવલમાં જુના ફલેટ 30 થી 40 લાખના એક ફલેટની સવા કરોડથી વધુ વેચાઈ રહ્યા છે.આ ઉપરાંત રામેશ્વર ફલેટમાં પણ ટુ બીએચકે જુના ફલેટ 40 થી 45 લાખના એક ફલેટની સામે નવા થ્રી બીએચકે ફલેટ સવા કરોડની આસપાસ વેચાઈ રહ્યા છે. 132 ફુટ રીંગ રોડ પર નિધી એપાર્ટેન્ટ (વિષ્ણુધારા) પ્રોજેકટમાં જુના ફલેટ 40 થી 45 લાખના એક ફલેટની સામે નવા ફલેટ સવા કરોડ એટલે 1.20 કરોડમાં વેચાણ હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત નારણપુરામાં જ સુર્યા એપાર્ટમેન્ટ-1 માં રીડેવલપમેન્ટ બાદ નવા ટુ બીએચકે ફલેટ 60 લાખ વેચાણમાં હોવાનું જાણવા મળ્યું છે. સુર્યા એપાર્ટમેન્ટ-3 માં રીડેવલપમેન્ટ નવા ફલેટ 1.10 લાખમાં વેચાણમાં હોવાનું જાણવા મળ્યું છે. 132 ફુટ રીંગ રોડ પર પ્રગતિનગર પાસે પત્રકાર હાઈટ્સ ટુ બીએચકે ફલેટ 55 થી 60 લાખમાં વેચાણમાં હોવાનું જાણવા મળ્યું છે.શાસ્ત્રીનગર એમ-5 બ્લાકના રીડેવલપમેન્ટ બાદ જુના ફલેટની સામે નવા ફલેટની કિંમતમાં પણ ભારે ઉછાળો જાેવા મળી રહ્યો છે. નવા વાડજમાં કિરણપાર્ક સોસાયટીમાં રીડેવલપમેન્ટ બાદ ટુ બીએચકે 50 થી 55 લાખ અને થ્રી બીએચકે 85 થી 90 લાખમાં વેચાણમાં હોવાનું જાણવા મળ્યું છે.
શહેરના પૂર્વ વિસ્તારમાં હાઉસિંગ બોર્ડમાં એકતા એપાર્ટમેન્ટમાં રીડેવલપમેન્ટ બાદ જુના ફલેટની સરખામણીમાં નવા ફલેટ 15 લાખ જેટલી થવા પામી છે, ઉપરાંત શિવશક્તિ ફલેટમાં પણ રીડેવલપેન્ટ બાદ નવા ફલેટની કિંમત 20 લાખ જેટલી થવા પામી છે. આમ જર્જરિત બાંધકામ, પાર્કિંગ, ગટર સહિતની સમસ્યાઓ સાથે કિંમતોમાં ભારે ઉછાળાને કારણે હાઉસિંગ બોર્ડની સોસાયટીઓમાં રીડેવલપમેન્ટને લઈને ખાસ્સી એવી જાગૃતિ આવી છે. હાઉસિંગ બોર્ડની મોટાભાગની સોસાયટીઓમાં રીડેવલપમેન્ટની ચર્ચાઓનો દોર ચાલી રહ્યો છે.


