અમદાવાદ : કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા પ્રધાન અમિત શાહ આજે (4 સપ્ટેમ્બર) અમદાવાદની મુલાકાતે છે. ત્યારે અમિત શાહે અમદાવાદ અને ગાંધીનગરની ચાર સ્માર્ટ સ્કૂલોનું લોકાર્પણ કર્યું છે. અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલ બોર્ડ સંચાલિત નવા વાડજ, ઘાટલોડીયા, નારણપુરા અને થલતેજ વિસ્તારમાં સ્માર્ટ શાળાની શરૂઆત કરાવી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલ બોર્ડ દ્વારા રૂ. 9.54 કરોડના ખર્ચે નવા વાડજ, ઘાટલોડીયા, નારણપુરા અને થલતેજ વિસ્તારમાં કુલ ચાર સ્કૂલનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે.આજે સવારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા નવાવાડજ વિસ્તારમાં ગાંધીનગર શાળા નંબર 2નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ સમગ્ર સ્કૂલની મુલાકાત લેવામાં આવી હતી.
ખાનગી સ્કૂલોને પણ ટક્કર મારે તેવી સરકારી શાળાઓ તેમણે જોઈ હતી અને ત્યારબાદ સ્કૂલમાં હાજર રહેલા બાળકો સાથે પણ તેઓએ વાતચીત કરી હતી. બે બાળકીઓ સાથે તેઓએ વાતચીત કર્યા બાદ બંને સાથે તેઓએ હાથ પણ મિલાવ્યા હતા.