અમદાવાદ: અમદાવાદમાં કુલ 16 જૂના બ્રિજ હતા જેને લઈને AMC દ્વારા અગાઉ મહત્વની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં AMC દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે આ તમામ બ્રિજ પર ભારે વાહનો માટે પ્રતિબંધ મૂકવામાં આવશે. સાથે જ બ્રિજ પર હાઈટ બેરિયર લગાવવાની પણ વાત કરવામાં આવી હતી. જોકે હવે AMC દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે કોઈપણ બ્રિજ પર હાલ હાઈટ બેરિયર લગાવવામાં નહીં આવે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદના જુના તમામ 16 બ્રિજ પર હાલ તાત્કાલિક હાઇટ બેરિયર લગાવવામાં આવશે નહીં તેવો સ્પષ્ટ નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ શહેરના તમામ બ્રીજ પર હાઇટ બેરિયર લગાવવા મુદ્દે એક્સપર્ટના રિપોર્ટ બાદ જ આગળનો નિર્ણય લેવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટના અધિકારીઓએ બ્રિજ પર ભારે વાહનો પસાર ન થાય તેના માટે બેરિયર લગાવવા માટેના રૂ. 3 કરોડના કામના ટેન્ડરને બહાર પાડ્યું હતું.
AMC દ્વારા કરવામાં આવી રહેલી આ તપાસમાં દરેક બ્રિજની હાલની સ્થિતિ, તેની રચનાત્મક ક્ષમતા અને સલામતીના ધોરણો તપાસવામાં આવી રહ્યાં છે. હાઇટ બેરિયર લગાવવાનો કોઈપણ નિર્ણય એક્સપર્ટ એજન્સી દ્વારા આપવામાં આવતા રિપોર્ટ અને ભલામણના આધારે જ લેવામાં આવશે. આ ઉપરાંત હાલમાં હાઇટ બેરિયર લગાવવા અંગે કોઈપણ પ્રકારની એજન્સીની નિમણૂક કરવામાં આવી નથી.
ઉલ્લેખનીય છે કે AMC દ્વારા શહેરનો નહેરુ બ્રિજ, પરીક્ષિત બ્રિજ, બાબા સાહેબ આંબેડકર બ્રિજ અને કેડિલા બ્રિજ સહિતના કુલ 16 બ્રિજ પર હાઈટ બેરિયર લગાવવાની વાત કરવામાં આવી હતી. જોકે હવે હાલ પૂરતો એએમસી દ્વારા આ નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો છે. જેમાં હવે એક્સપર્ટના ઓપિનિયન બાદ યોગ્ય નિર્ણય લેવામાં આવશે.


