અમદાવાદ : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 19 ડિસેમ્બરના રોજ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે છેલ્લી T20 મેચ રમાવાની છે. મેચને લઈને લોકોમાં અત્યારથી જ ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. છેલ્લી ટી-20 મેચ માટેની ટિકિટનું વેચાણ શરૂ થઈ ગયું છે. ઓનલાઇન અને ઓફલાઈન બંને રીતે ટિકિટ ખરીદી શકાય છે. મોટેરામાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે લોકો મેચની ટિકિટ લેવા માટે આવી રહ્યા છે. રૂ. 500 અને 1000ની ટિકિટ માત્ર ઓનલાઇન જ મળશે અને બુકિંગ કરાવ્યા બાદ ફિઝિકલ ટિકિટ મેળવવાની રહેશે. જ્યારે રૂ.2000થી ઉપરની ટિકિટ સ્ટેડિયમ ખાતેથી ફિઝિકલ પણ મેળવી શકશો.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદમાં મોટેરા ખાતે આવેલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 19 ડિસેમ્બરના રોજ શુક્રવારે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે છેલ્લી T20 મેચ રમાવવાની છે, જેની ઓનલાઇન-ઓફલાઈન ટિકિટનું વેચાણ શરૂ થઈ ગયું છે. https://in.bookmyshow.com વેબસાઈટ પરથી ઓનલાઇન ટિકિટ બુક કરી શકાય છે. જોકે રૂ.500 અને 1000ની ફિઝિકલ ટિકિટ સ્ટેડિયમ પરથી મેળવી શકાશે નહીં. માત્ર ઓનલાઇન બુકિંગ કરવાની રહેશે. ટિકિટ બુક કર્યા બાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આવેલા બોક્સ ઓફિસમાંથી તેમજ મોબાઇલમાંથી જે જગ્યા પરથી ટિકિટ મેળવવાનો મેસેજ આવે ત્યાંથી ટિકિટ મેળવી લેવાની રહેશે.
રૂ.2000, 2500, 4500, 8500 અને તેનાથી ઉપરની ટિકિટો ઓનલાઇન બુકિંગ અને ઓફલાઈન એમ બંને રીતે મેળવી શકાશે. જોકે, ઓનલાઇન ટિકિટ બુક કરાવ્યા બાદ ફિઝિકલ ટિકિટ મેળવી લેવાની રહેશે. જે લોકો ઓનલાઈન ટિકિટ બુકિંગ કરાવી રહ્યા છે અને જેમને ખબર છે કે બોક્સઓફિસ ખાતેથી ટિકિટ મેળવવાની છે, તેઓ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતેના બોક્સ ઓફિસથી લેવા માટે આવી રહ્યા છે. મોટાભાગે રૂ.500 અને 1000, 4500 તેમજ 8500ની ટિકિટનું ખૂબ ઝડપથી વેચાણ થઈ રહ્યું છે.


