અમદાવાદ : શહેરના ઘાટલોડીયા વિસ્તારમાં એક ફ્લેટમાં ‘ગૃહ ઉદ્યોગ’ની જેમ ચાલતા બનાવટી દારૂના કારખાના પર PCB(પ્રિવેન્શન ઑફ ક્રાઇમ બ્રાન્ચ)ની ટીમે દરોડો પાડી બે આરોપીઓની ધરપકડ કરી છે. આ શખસો મોંઘી બ્રાન્ડની લિકરની ખાલી બોટલોમાં સસ્તો કે ભેળસેળયુક્ત દારૂ ભરીને ગ્રાહકોને પધરાવવાની ફિરાકમાં હતા.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, PCBને ચોક્કસ બાતમી મળી હતી કે ઘાટલોડીયામાં વીર સાવરકર સ્પોર્ટ્સ સંકુલ સામે આવેલા અર્જુન આઇકોનિક અને ઓશન કોલિના ફ્લેટની આસપાસ શંકાસ્પદ પ્રવૃત્તિ ચાલી રહી છે. આ દરમિયાન તપાસ કરતાં આવી ગેરકાયદે પ્રવૃત્તિ ફેલેશિયા એપાર્ટમેન્ટમાં ચાલતી હોવાનું સામે આવ્યું હતું. ત્યાર પછી PCB ટીમે ત્યાં દરોડા પાડીને નકલી દારૂ બનાવતા બે લોકોને ઝડપી પાડ્યા હતા. આ બંને શખસની ઓળખ પ્રતિક દીપકકુમાર વ્યાસ (ઉં. 45) (રહેઠાણ- ફેલેશિયા ફ્લેટ, ઘાટલોડિયા) અને વિપુલ પ્રવીણભાઈ શાહ (ઉં. 48) (રહેઠાણ- શાહપુર, અમદાવાદ) તરીકે થઈ છે.
પ્રાથમિક તપાસમાં આ બંનેએ 31 ડિસેમ્બરની પાર્ટીઓને ધ્યાનમાં રાખીને સારી ક્વૉલિટીના સ્કોચના નામે ગ્રાહકોને સસ્તો દારૂ પધરાવી દેવાની યોજના બનાવી હતી. તેઓ સસ્તો દારૂ લાવતા હતા અને તેને મોંઘી બ્રાન્ડેડ દારૂની ખાલી બોટલોમાં ભરતા હતા. આ દરમિયાન તેઓ બોટલો પર ઓરિજિનલ જેવા જ સ્ટીકર અને સીલ પણ લગાવી દેતા હતા, જેથી ગ્રાહકોને તે અસલી સ્કોચ કે પ્રીમિયમ વ્હિસ્કી જ લાગે.
આ કેસમાં પોલીસે સ્થળ પરથી દારૂ બનાવવાની સામગ્રી અને વાહનો સહિતનો કુલ 1,53,452 મુદ્દામાલ કબજે કર્યો છે. જેમાં ભારતીય બનાવટની વિદેશી દારૂ ભરેલી 15 બોટલ, દારૂ ભરવા માટે રાખેલી 5 ખાલી બોટલો, અલગ-અલગ બ્રાન્ડના 6 સ્ટીકર, બોટલ સીલ કરવાના બુચ, 180 મિ.લી. સેમ્પલ બોટલ, બે મોબાઇલ ફોન અને એક સ્કૂટરનો સમાવેશ થાય છે. હાલ પોલીસે બંને આરોપી વિરુદ્ધ ગુનો નોંધી, તેઓ આ બોટલો/સ્ટીકરો ક્યાંથી લાવતા હતા, તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.


