અમદાવાદ : ગુજરાતમાં દારૂબંધીની વાતો માત્ર કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદમાં મોટા પ્રમાણમાં દારૂની હેરાફેરીના કેસ સતત સામે આવી રહ્યા છે. અમદાવાદ શહેરમાં શહેરકોટડા પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.ડી ચંદ્રવાડીયાને પોલીસ કમિશનર દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.થોડા દિવસ અગાઉ સરસપુર વિસ્તારમાંથી લાખો રૂપિયાનો દારૂ ઝડપાયો હતો. આ મામલે શહેરકોટડા પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.ડી ચંદ્રવાડીયાની બેદરકારી સામે આવી હતી જેથી પોલીસ કમિશનર દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, થોડા દિવસ પહેલા સરસપુર વિસ્તારમાં દારૂનો મોટા પ્રમાણમાં જથ્થો ઉતરવાની તૈયારી હતી. PCB દ્વારા 11 ડિસેમ્બરના રોજ સરસપુર વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરમિયાન સંતરાની આડમાં એક ટ્રકમાં છુપાવીને લાવવામાં આવેલો અંદાજે 77 લાખ રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. PCBએ સમયસર કાર્યવાહી કરતા દારૂ ઉતરવામાં આવે તે પહેલા જ ટ્રક સાથે બે આરોપીઓને ઝડપી લીધા હતા.
આ સમગ્ર મામલે શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી હતી. શહેરકોટડામાંથી 2 વખત મોટી માત્રામાં દારૂનો જથ્થો પકડવામાં આવ્યો છે. જેમાં પીઆઇની બેદરકારી સામે આવી હતી, જેથી પીઆઇને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
તપાસમાં સ્પષ્ટ થયું હતું કે શહેરકોટડા પોલીસ સ્ટેશનના PI એમ.ડી. ચંદ્રવાડીયાની બેદરકારીને કારણે દારૂના ધંધાર્થીઓને ફાયદો થયો હતો. તેમની ફરજ દરમિયાન વિસ્તારમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ પર યોગ્ય નજર રાખવામાં આવી ન હતી. આ ગંભીર બેદરકારીને ધ્યાનમાં લઈ પોલીસ કમિશનરે કડક કાર્યવાહી કરી અને PI એમ.ડી. ચંદ્રવાડીયાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો.


