અમદાવાદ : અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે 19મી ડિસેમ્બરના રોજ યોજાનારી આગામી ઇન્ડિયા અને સાઉથ આફ્રિકા વચ્ચેની ડે-નાઈટ T-20 ક્રિકેટ મેચને ધ્યાનમાં રાખીને, GMRC એ અમદાવાદમાં મેટ્રો ટ્રેન સેવાઓને મધ્યરાત્રિના 12:30 વાગ્યા સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદમાં મેટ્રો ટ્રેન સેવાઓની હાલની સમયમર્યાદા સવારે 6:20 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી છે. રાત્રિના 10 વાગ્યાથી મધ્યરાત્રિના 12:30 વાગ્યા સુધીના લંબાયેલ સમય દરમ્યાન માત્ર મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન અને સાબરમતી મેટ્રો સ્ટેશન પરથી મેટ્રોમાં બેસી શકાશે અને ત્યાંથી અમદાવાદ મેટ્રોના બંને કોરિડોર (મોટેરાથી એપીએમસી અને થલતેજ ગામથી વસ્ત્રાલ ગામ) ના કોઈ પણ કાર્યરત મેટ્રો સ્ટેશન પર જઈ શકાશે.
ગાંધીનગર જવા માટે મોટેરા સ્ટેડિયમથી સેક્ટર-1 સુધી રાત્રે બે વધારાની મેટ્રો ટ્રેન મધ્યરાત્રિના 11.40 કલાકે અને મધ્યરાત્રિના 12.10 કલાકે ઉપડશે. આ ઉપરાંત, જીએમઆરસીએ મેટ્રોના મુસાફરોને મુશ્કેલી ના પડે તે માટે T-20 મેચ ના દિવસ માટે જ મોટેરા સ્ટેડિયમથી રાત્રે પરત ફરવા, સ્પેશ્યલ પેપર ટિકિટ બહાર પાડેલ છે. સ્પેશિયલ પેપર ટિકિટની વિશેષતાઓ નીચે મુજબ છે.
1. સ્પેશિયલ પેપર ટિકિટનું ભાડું પ્રતિ વ્યક્તિ દીઠ ₹ 50 રહેશે, જેનો ઉપયોગ લંબાવેલ સમય દરમિયાન મોટેરા સ્ટેડિયમ અથવા સાબરમતી મેટ્રો સ્ટેશનથી અમદાવાદ મેટ્રોના બંને કોરિડોર પરના તેમજ ગાંધીનગર કોરિડોરના સેક્ટર-1 મેટ્રો સ્ટેશન સુધીના કોઈપણ કાર્યરત મેટ્રો સ્ટેશન સુધી મુસાફરી કરવા માટે થઈ શકશે.
2. સ્પેશિયલ પેપર ટિકિટ ઉપરાંત કોન્ટેક્ટલેસ સ્માર્ટ ટોકન્સ, કોન્ટેક્ટલેસ સ્માર્ટ કાર્ડ (GMRC ટ્રાવેલ કાર્ડ અને NCMC કાર્ડ), QR ડિજિટલ ટિકિટ અને QR પેપર ટિકિટ સાથેની એન્ટ્રી પણ રાબેતા મુજબ રાત્રે 10:00 વાગ્યા સુધી નિયમિત ભાડા પર ઉપલબ્ધ રહેશે. કિઓસ્ક, ટોકન વેન્ડિંગ મશીન, ટિકિટ કાઉન્ટર, મોબાઇલ એપથી અગાઉથી ખરીદેલી ટિકિટ (QR/TOKEN) રાત્રિના 10:00 વાગ્યા પછી માન્ય રહેશે નહીં.
3. રાત્રિના 10:00 વાગ્યા પછી મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી મેટ્રો સ્ટેશનમાં પ્રવેશ કરવા માટે માત્ર સ્પેશિયલ પેપર ટિકિટ માન્ય રહેશે.
4. સ્પેશિયલ પેપર ટિકિટ મેચના દિવસ દરમ્યાન નિરાંત ક્રોસ રોડ, એપેરલ પાર્ક, કાલુપુર, ઓલ્ડ હાઇકોર્ટ, થલતેજ, મોટેરા, સાબરમતી, રાણીપ, વાડજ, જીવરાજ પાર્ક, જીએનએલયુ, ઇન્ફોસિટી અને સેક્ટર-1 મેટ્રો સ્ટેશનો પરથી અગાઉથી ખરીદી શકાશે, જેથી પરત ફરતી વખતે મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન ખાતે ટિકિટ માટે લાઇનમાં ઉભા રહેવાનું ટાળી શકાય.
5. મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશનથી એપીએમસી મેટ્રો સ્ટેશન તરફની છેલ્લી ટ્રેન મધ્યરાત્રિના 12:30 વાગ્યે તેમજ સેક્ટર-1 મેટ્રો સ્ટેશન તરફની છેલ્લી ટ્રેન મધ્યરાત્રિએ 12:10 વાગ્યે ઉપડશે.


