અમદાવાદ : આવતીકાલે એટલે 19 ડિસેમ્બરના રોજ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યોજાનારી આગામી ઇન્ડિયા અને સાઉથ આફ્રિકા વચ્ચેની ડે-નાઈટ T-20 ક્રિકેટ મેચના અનુસંધાને ટ્રેન સેવાઓને મધ્યરાત્રિના 12:30 વાગ્યા સુધી ચાલશે. જે કારણે સ્ટેડિયમની આસપાસના રસ્તા પર અવરજવર માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની ટી10 મેચ આવતીકાલે તારીખ 19/12/2025ના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, મોટેરા, અમદાવાદ ખાતે રમાનાર છે. હાઈ-વોલ્ટેજ મેચને પગલે સ્ટેડિયમની આસપાસ ક્રિકેટ પ્રેમીઓનો ભારે ધસારો થવાની શક્યતા છે. જેને ધ્યાનમાં રાખીને અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડી ટ્રાફિક વ્યવસ્થામાં મહત્ત્વના ફેરફાર અને ડાયવર્ઝન જાહેર કરવામાં આવ્યા છે.
કયા રસ્તાઓ રહેશે બંધ?
મેચ દરમિયાન ખેલાડીઓ, VVIP મહેમાનો અને જનતાની સુરક્ષાના ભાગરૂપે નીચે મુજબના રસ્તાઓ તમામ પ્રકારના વાહનો માટે પ્રતિબંધિત રહેશે
જનપથ ટી થી મોટેરા સ્ટેડિયમનો મુખ્ય ગેટ થઈ કૃપા રેસિડેન્સી ટી સુધીનો માર્ગ.
કૃપા રેસિડેન્સી ટી થી મોટેરા ગામ ટી સુધીનો અવર-જવરનો માર્ગ બંધ રહેશે.
નોંધ: આ પ્રતિબંધિત માર્ગો પર માત્ર મેચ સાથે સંકળાયેલા અધિકૃત વાહનો અને ઇમરજન્સી સેવાઓ (એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ) જ અવર-જવર કરી શકશે.
વાહનચાલકો માટે વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થા
ટ્રાફિક જામની સ્થિતિથી બચવા માટે પોલીસે નીચે મુજબના વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા સૂચન કર્યું છે: 1. તપોવન સર્કલથી: ઓ.એન.જી.સી. ચાર રસ્તા થઈ વિસત ટી થી જનપથ ટી થઈ પાવર હાઉસ ચાર રસ્તાથી પ્રબોધરાવળ સર્કલ સુધીના માર્ગનો ઉપયોગ કરી શકાશે. 2. કોટેશ્વર તરફથી: કૃપા રેસિડેન્સી ટી થી શરણ સ્ટેટસ ચાર રસ્તા થઈ ભાટ કોટેશ્વર રોડ થઈ એપોલો સર્કલ તરફ અવર-જવર કરી શકાશે.
કોને મળશે મુક્તિ?
સ્થાનિક રહીશોને હાલાકી ન પડે તે માટે તંત્ર દ્વારા ખાસ છૂટછાટ આપવામાં આવી છે. ફરજ પરના સરકારી વાહનો, એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ અને સ્થાનિક રહીશો જરૂરી પુરાવા બતાવીને આ વિસ્તારમાં અવર-જવર કરી શકશે.
ક્રિકેટ પ્રેમીઓ માટે સૂચના
મેચ જોવા આવતા હજારો દર્શકોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ ટ્રાફિક પોલીસના નિયમોનું પાલન કરે અને શક્ય હોય તો જાહેર પરિવહનનો ઉપયોગ કરે જેથી સ્ટેડિયમની આસપાસ વાહનોનું ભારણ ઘટાડી શકાય. માર્ગ અકસ્માતો નિવારવા અને સુરક્ષા જાળવવા માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ખડેપગે તૈનાત રહેશે.


