અમદાવાદ : અમદાવાદ શહેરમાં અને ખાસ કરીને પશ્ચિમના નવા વાડજ વિસ્તારમાં આવેલ અનેક સોસાયટીઓ અને ફ્લેટોમાં ઓછું પાણી આવતું હોવાની ફરિયાદ ઉઠી છે. કોર્પોરેશનની પાણીની લાઇનમાં અપુરતું અને ઓછા પ્રેસરથી પાણી નવા વાડજના અનેક વિસ્તારોમાં આવી રહ્યું છે જેના કારણે લોકો દૈનિક ઘરવપરાશ જેટલું પણ પાણી ભરી શકતા નથી. કોર્પોરેશન મફત પાણીના ટેન્કરો ઘેરઘેર પહોંચાડવામાં ઉણું ઉતર્યું છે. ત્યારે ખાનગી પાણીના ટેન્કરવાળાઓ ટેન્કર દીઠ 600 થી 1000 રૂપિયા સુધીનો ભાવ વસુલી રહ્યા છે જે ગરીબ અને મધ્યમવર્ગ માટે પડતા પર પાટું મારવા સમાન પુરવાર થઇ રહ્યું છે.
શહેરના પશ્ચિમના અનેક વિસ્તારો સહીત નવા વાડજ વિસ્તારમાં હાઉસીંગના ફ્લેટો, નંદનવન એપાર્ટમેન્ટ, ઉત્સવ એપાર્ટમેન્ટ, અભિલાષા એપાર્ટમેન્ટ, શિવમ એપાર્ટમેન્ટ, કેશવબાગ વાડીના બાજુમાં આવેલ વિશ્વ નંદિની ફ્લેટ, દેવપથ ફ્લેટ અને તેની આજુબાજુમાં આવેલી ચાલીઓમાં તેમજ રીંગ રોડની અનેક સોસાયટીઓમાં છેલ્લાં બે દિવસથી પાણીની તંગી પ્રવર્તી રહી છે. અનેક વિસ્તારોમાં તો કોર્પોરેશનના ટેન્કરો પહોંચી વળતા નથી, તેમાં લાંબુ વેઇટિંગ ચાલે છે. જ્યાં પાંચ ટેન્કરની જરૂર હોય ત્યાં માંડ બે ટેન્કરો પહોંચી રહ્યા છે. આ સ્થિતિમાં લોકો નાછુટકે પૈસા ખર્ચીને ખાનગી પાણીના ટેન્કરો મંગાવવા મજબૂર બન્યા છે.