અમદાવાદ : અમદાવાદમાં મનપાની સ્કૂલોમાં ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓને મોબાઈલ અપાશે. ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓને ટેક્નોલોજીસભર શિક્ષણ આપવા માટે મોબાઈલ અપાશે. મનપા સ્કૂલોના 5 હજાર બાળકોને મોબાઈલ મળશે. મનપા વિદ્યાર્થીઓને 12 હજાર સુધીની કિંમતના મોબાઈલ આપશે. આ મોબાઈલ ફોન માટે અંદાજે રૂ. 6 કરોડનો ખર્ચ થશે.વિદ્યાર્થીઓ ઓફલાઇનની સાથે ઓનલાઈન શિક્ષણ મળી રહે તે હેતુથી ગરીબ અને જરૂરીયાતમંદ બાળકોનો સર્વે કરવામાં આવ્યો છે.
ટેકનોલોજીના આ યુગમાં સરકારી સ્કૂલના વિદ્યાર્થીઓ પણ ક્યાંય પાછા ન પડે તે ઉદેશ સાથે વિદ્યાર્થીઓને ટેકનોલોજીથી અવગત કરવામાં આવી રહ્યા છે. સ્કૂલ બોર્ડમાં 400થી વધુ શાળાઓમાં 1 લાખ 60 હજાર જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જેમાંથી ધોરણ 6થી 8માં જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓનો સર્વે કરવામાં આવ્યો છે.
સ્કૂલ બોર્ડ દ્વારા 5 હજાર જેટલા બાળકોને આઇડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે. જેમને અંદાજીત 12 હજારની કિંમતનો સ્માર્ટ ફોન આપવામાં આવશે. જે માટે અંદાજીત 6 કરોડનો ખર્ચ થશે. કોરોનાની મહામારીમાં ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકો તો સ્માર્ટ ફોન દ્વારા ઓનલાઈન શિક્ષણ મેળવતા હતા. પણ સરકારી સ્કૂલના ગરીબ બાળકો ઓનલાઈન શિક્ષણથી વંચિત રહી જતા હતા. આવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.