અમદાવાદ : શહેરમાં આપઘાતના બનાવોમાં વધારો થયો છે. ત્યારે શહેરમાં ગોતામાં રહેતા એક પોલીસકર્મીએ તેના પરિવાર સાથે 12મા માળેથી કૂદીને આપઘાત કર્યો છે. શહેરમાં ગોતા વિસ્તારમાં દીવા હાઇટ્સમાં રહેતા પોલીસકર્મી કુલદીપસિંહ યાદવે પત્ની અને બાળકી સાથે આપઘાત કર્યો છે. તેઓ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ ગોતા વિસ્તારમાં આવેલી દીવા હાઈટ્સમાં રહેતા એક પોલીસ પરિવારે સામૂહિક આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કુલદીપસિંહ યાદવે પોતાની પત્ની રિદ્ધીબેન અને ત્રણ વર્ષની દીકરી આકાક્ષી સાથે ગઈ રાત્રે આપઘાત કરી લીધો હતો. મોડી રાત્રે આ પરિવારે ફ્લેટના 12 મા માળેથી ઝંપલાવીને સામૂહિક આપઘાત કરી લીધો હતો. પોલીસ પરિવાર દ્વારા જ સામૂહિક આપઘાત કરી લેવાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.
બનાવના પગલે સ્થાનિકો ઉમટી પડ્યા હતા. બાદમાં બનાવની જાણ પોલીસને થતા તે ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે તમામ મૃતકોના મૃતદેહો કબજે કર્યા હતા અને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. જો કે, આ પરિવારે સામૂહિક આપઘાત કેમ કર્યો એ હજુ સુધી જાણી શકાયુ નથી. ત્યારે આપઘાતનું કારણ જાણવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે.
ગોતા વિસ્તારમાં રહેતા પોલીસ પરિવારે સામૂહિક આપઘાત કરી લેતા પોલીસબેડામાં પણ શોક જોવા મળી રહ્યો છે. મૃતકોના પરિવારમાં પણ માતમ છવાયો છે. પરિવારે આ અંતિમ પગલુ કેમ ભર્યુ એ જાણવા માટે પોલીસ તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે, મૃતક પોલીસકર્મી કુલદીપસિંહ યાદવ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં એકાઉન્ટ વિભાગમાં ફરજ બજાવતા હતા.