અમદાવાદ : અમદાવાદમાં 31મી ડિસેમ્બરે નવા વર્ષની ઉજવણીને લઈને લોકો જોરશોરની ઉજવણી સાથે નવા વર્ષને આવકાર્યું હતું. જ્યારે 2026ને વધાવવા માટે અમદાવાદ સહિતના શહેરમાં પાર્ટી પ્લોટમાં મોટી સંખ્યામાં લોકો હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી. અમદાવાદીઓએ રંગબેરંગી ફુગ્ગાઓ ઉડાડીને શહેરના આકાશને ફુગ્ગાઓના રંગથી રંગી દીધું હતું. તો બીજી તરફ શહેરમાં ઠેર ઠેર ભવ્ય આતશબાજી કરીને નવા વર્ષને વધાવ્યું હતું.
નવા વર્ષની ઉજવણીને લઇ શહેરના ફાર્મ-હાઉસ, ક્લબો, પાર્ટી પ્લોટ યુવાધનથી હાઉસફૂલ થઈ ગયા હતા અને લોકોએ બોલિવૂડ સોન્ગ તેમજ ડીજેના તાલે મનમૂકીને ઝૂમી ઉઠ્યા હતા. જેમાં અમદાવાદના બોડકદેવ પાર્ટી પ્લોટ, સિંધુ ભવન, સીજી રોડ, SP રિંગરોડ સહિતના રસ્તાઓ પર કિડિયારું ઉભરાયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.જેને લઈને અમદાવાદ શહેર પોલીસ દ્વારા એસજી હાઈવે, સિંધુ ભવન રોડ, સીજી રોડ સહિતની મુખ્ય જગ્યાઓ પર લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
અમદાવાદના સીજી રોડ અને સિંધુ ભવન રોડ ઉપર નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. લોકો દ્વારા ફુગ્ગા ઉડાડીને ઉજવણી કરવામાં આવી છે. 12 વાગ્યાના ટકોરે લોકોએ Happy New Year કહીને નવા વર્ષની ઉજવણી કરી હતી.શહેર પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટની રાત્રે નશો કરનારાઓને ઝડપવા માટે બ્રેથ એનેલાઈઝર અને ડ્રગ્સ ડીકેક્શન કિટ સાથે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પાર્ટી દરમિયાન યુવતીઓની સુરક્ષા માટે ‘શી’ ટીમની મહિલા જવાનો ઓફડ્રેસમાં જ પાર્ટીમાં હાજર જોવા મળી હતી.


