અમદાવાદ : શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તેમજ અસામાજીક પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે વર્ષ 2025 દરમ્યાન અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા સખત અને પરિણામલક્ષી કાર્યવાહી કરવામાં આવી છે. “પોલીસનું સૂત્ર – સેવા, સુરક્ષા અને શાંતિ”ને સાકાર કરવા તેમજ પ્રજાસુરક્ષાની દિશામાં પોલીસ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નેસ્તનાબુદ કરવાનો દ્રઢ સંકલ્પ સાથે કામગીરી હાથ ધરવામાં આવી છે.
અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા અસામાજિક તત્વો વિરૂદ્ધમાં પાસા તેમજ તડિપાર જેવા પગલા લેવામાં આવતા શહેરમાં અનેક ગુનાઓ બનતા અટકી ગયા છે. શહેરમાંથી શરીર સંબંધી, મિલ્કત સંબંધી, દારૂ અને અન્ય ગુનાહિત પ્રવૃતિ કરનારા 1107 શખ્સોને પાસા કરી રાજ્યની જુદી જુદી જેલમાં ધકેલવામાં આવ્યા છે, તેમજ 258 ગુનેગારોને તડીપાર કરી શહેરમાં શાતિનો માહોલ જાળવવામાં સફળતા મેળવી છે.
વર્ષ 2025માં પોલીસ કમિશનર જી.એસ મલિકનાં માર્ગદર્શન હેઠળ પીસીબી દ્વારા દારૂ જુગારને લઈને રેડ કરવામાં આવી, જેમાં એક વર્ષમાં દારૂનાં 400 કેસ કરીને 407 આરોપીઓને પકડીને કુલ 5 કરોડ 74 લાખ 17 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો, તદઉપરાંત જુગારનાં 70 કેસ કરી 245 જુગારીઓને પકડવામાં આવ્યા જેમાં 6 કરોડ 57 લાખ 80 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો.
તેવામાં આગામી સમયમાં પણ અમદાવાદ શહેરની શાંતિને ડહોળી શકે તેવા ગુનેગારો સામે કડકમાં કડક કાર્યવાહીનાં આદેશ પોલીસ કમિશનર દ્વારા અપાયા છે, નાગરિકોની સલામતી અને સુરક્ષાને લઈને પોલીસ કમિશનર દ્વારા શહેરમાં લાગેલા સીસીટીવી કેમરા તેમજ અન્ય ટેક્નોલોજીનાં ઉપયોગની પણ સૂચના આપી છે.


