અમદાવાદ : અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર રિક્ષાચાલકો અને મુસાફરો સાથે બોલાચાલી અને ઉદ્ધત વર્તનના બનાવો ખૂબ સામાન્ય બાબત બની ગઈ. જો કે અમુક વખત આ આ બોલચાલી રિક્ષાચાલકોની દાદાગીરીમાં પરિણમે છે. ભાડાની રકજકથી માંડીને અનેક નાની નાની બાબતોમાં રિક્ષા ચાલકો મુસાફરો સાથે ગેરવર્તન કરતાં હોવાની ફરિયાદો આવી ચૂકી છે. ત્યારે આ મુદ્દે અમદાવાદમાં RPFએ રિક્ષા ચાલકોએ કાર્યવાહી કરી હતી.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ રેલવે સ્ટેશન પર રિક્ષાચાલકો દ્વારા મુસાફરો સાથે અભદ્ર વર્તન અને નિયત ભાડા કરતા વધુ વસૂલાત કરવાની ફરિયાદો સતત મળી રહી હતી. આ ફરિયાદોને ગંભીરતાથી લેતા રેલવે સુરક્ષા દળ (RPF), અમદાવાદ દ્વારા વિશેષ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. નિયમોનું ઉલ્લંઘન કરનાર 6 રિક્ષા જપ્ત કરવામાં આવી હતી અને સંબંધિત ચાલકો વિરુદ્ધ રેલવે અધિનિયમ અંતર્ગત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર ગઈકાલે રિક્ષાચાલકો અને રેલવે પ્રોટેક્શન ફોર્સના જવાનો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ત્યાર બાદ રિક્ષા ચાલકોએ આરપીએફના જવાનને ઘેરી કોલર પકડીને બિભત્સ ગાળો બોલી હતી. આ દરમિયાન અન્ય જવાનો પણ આવી પહોંચ્યા હતાં. તેમણે રિક્ષા ચાલકોને માર માર્યો હતો. આ દરમિયાન એક રિક્ષા ચાલક ઢળી પડવાનો બનાવ પણ સામે આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ રેલવે સ્ટેશન પર રિક્ષાચાલકો અને RPF જવાનો વચ્ચે થયેલી મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી શેર થઈ રહ્યો છે. આ વીડિયોની બે અલગ અલગ ક્લિપ વાયરલ થઈ હતી, જે પૈકીની પહેલી ક્લિપમાં RPF જવાનો રિક્ષા ચાલકને મારી રહ્યા હોવાનું દેખાઈ રહ્યું હતું, પરંતુ પાછળથી વાયરલ થયેલા બીજા વીડિયો જાણવા મળ્યું હતું કે આ બબાલની શરૂઆત રિક્ષા ચાલકો દ્વારા કરવામાં આવી હતી. જેમાં રિક્ષા ચાલકોએ RPF જવાનને ઘેરી લીધો હતો અને કોલર પર પકડ્યો હતો.


