અમદાવાદ: રેલવેમાં મુસાફરી કરતા મુસાફરોની નજર ચૂકવીને રોકડ રકમ અથવા તો દાગીનાની ચોરી કરતા યુવક યુવતીની રેલવે LCB દ્વારા ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા યુવક યુવતી લાંબા સમયથી એકબીજાના સંપર્કમાં છે અને બંને અલગ-અલગ રાજ્યોમાં રહેતા હોવાથી ટ્રેનમાં એક બીજાને મળવા આવતા અને ટ્રેનમાં મોકો મળતા જ કિંમતી વસ્તુઓની ચોરી કરતા હતા.
રેલવે LCB એ રાજસ્થાનના જયપુરમાં રહેતા વિક્રમ ગાંગડીયા અને મુંબઈની ગીતા દેવીપુજકની ધરપકડ કરી છે. બંને આરોપીઓ અલગ-અલગ રાજ્યમાં રહેતા હોવાથી એકબીજાને મળવા માટે રેલવેમાં મુસાફરી કરતા હતા અને મુસાફરી દરમિયાન તકનો લાભ લઈને વૃદ્ધ કે આધેડ વયના મુસાફરો કે જેમની પાસે કિંમતી સામાન જણાઈ આવે તો તેમની નજર ચૂકવીને કિંમતી વસ્તુઓની ચોરી કરી લેતા હતા.
અમદાવાદના મોટેરા ખાતે રહેતા ઉષાબેન ધારીવાલ થોડાક દિવસો પહેલા મુંબઈ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ ટ્રેનમાં અમદાવાદથી મુંબઈ મુસાફરી કરતા હતા. તે સમયે ટ્રેનમાં બેસતા વખતે ભીડનો લાભ લઈ તેમના પાકીટમાં મુકેલા દાગીનાની ચોરી થઈ હતી.જેમાં સોનાનો હાર, બિસ્કીટ સહિત મંગળસૂત્ર મળીને 4.61 લાખની કિંમતના દાગીના ચોરી થતા રેલવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે ગુનામાં પોલીસે ઘટના સમયના CCTV ફૂટેજ અને અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી હતી.
આ મામલે રેલવે LCB એ સારંગપુરમાં આવેલી શિવગંગા હોટલમાંથી ઘટના સમયના CCTV ફૂટેજમાં દેખાતા શંકાસ્પદ યુવક યુવતી મળી આવ્યા ગુનાનો ભેદ ઉકેલવામાં મદદ મળી અને પોલીસે ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલ્યો હતો.આ ગુનામાં ઝડપાયેલા આરોપીઓમાં વિક્રમ દેવીપૂજક જયપુરમાં કાપડનો ધંધો કરતો હોય અને મહિલા આરોપી ગીતા વાઘેલા મુંબઈમાં ફુલની લે-વેચનું કામ કરતી હોવાનું કબૂલાત કરી છે.