અમદાવાદ : આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બે દિવસ ગુજરાત પ્રવાસે રવિવારે રાત્રે અમદાવાદ પહોંચ્યા હતા. ત્યારે ઇસુદાન ગઢવીએ ટ્વીટ કરીને કહ્યું કે આમ આદમી પાર્ટીની ઓફિસ પર ગુજરાત પોલીસની બે કલાકની રેડ પાડવામાં આવી છે, પરંતુ તેમાં કંઈ મળ્યું નથી. સાથે તેમણે જણાવ્યું હતું કે તેઓ ફરી આવશે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, અરવિંદ કેજરીવાલ અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા ત્યારે ગુજરાત પોલીસ દ્વારા આમ આદમી પાર્ટીની નવરંગપુરા પ્રદેશ કાર્યાલય ખાતે દરોડા પાડ્યા હતા. બે કલાક સુધી વિવિધ તપાસ કરી હતી. જો કે તપાસ દરમ્યાન કઈ વસ્તુ મળી આવી ન હતી. ક્યાં કારણોસર તપાસ કરાઈ તે જાણવા નથી મળ્યું.
આ મામલે અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરી જણાવ્યું હતું કે, ગુજરાતની જનતાના મળી રહેલા અપાર પ્રેમથી ભાજપ બોખલાઈ ગયું છે. આપ પાર્ટીની ગુજરાતમાં આંધી ચાલી રહી છે. દિલ્લી પછી ગુજરાતમાં પણ રેડ કરવાનું શરૂ કરી દીધું. દિલ્લીમાં પણ કઈ ન મળ્યું. ગુજરાતમાં પણ કઈ નહિ મળે. અમે કટ્ટર અને ઈમાનદાર દેશભક્ત છીએ.