અમદાવાદ : અમદાવાદની ઓળખ સમાન ખારીકટ કેનાલના નવીનીકરણના કામમાં તંત્રના સંકલનનો અભાવ છતો થયો છે. શહેરમાં છેલ્લા ઘણા સમયથી ખારીકટ કેનાલનું કામ ચાલી રહ્યુ છે. મોટાભાગનું કામ પૂર્ણ થઈ ગયું છે પણ હજુ 50 મીટરની કામગીરી બાકી છે.ત્યારે સિંચાઈ વિભાગ દ્વારા કેનાલમાં એકાએક પાણી છોડાતા પ્રોજેક્ટની કામગીરી પર બ્રેક વાગી ગઈ છે.કેનાલની અંદરના ભાગે જે કામગીરી કરવાની બાકી રહી છે. જે કામગીરી હાલ પૂરતી બંધ કરી દેવામાં આવી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલી ખારીકટ કેનાલની કામગીરી ચાલી રહી છે, જે દરમિયાનમાં દસ્ક્રોઇના ધારાસભ્ય બાબુ જમના પટેલ દ્વારા ખેડૂતોને પાણી આપવાની રજૂઆતના પગલે સિંચાઈ વિભાગ દ્વારા ખારીકટ કેનાલમાં પાણી છોડી દેવામાં આવ્યું છે. કામગીરી ચાલુ હોવાના વચ્ચે ખારીકટ કેનાલમાં પાણી છોડવામાં આવતા મશીનરી બહાર કાઢી અને કામગીરી બંધ કરવી પડી છે.
ધારાસભ્ય બાબુ જમના પટેલે ખેડૂતોની રજૂઆતને પગલે સિંચાઈ વિભાગને પાણી છોડવા જણાવ્યું હતું. ધારાસભ્યનું પગલું ખેડૂતો માટે રાહત સમાન છે, પરંતુ સવાલ એ છે કે સિંચાઈ વિભાગે કામ કરી રહેલા કોન્ટ્રાક્ટરને અગાઉથી જાણ કેમ ન કરી? શું તંત્ર પાસે આવી સ્થિતિને પહોંચી વળવા માટે કોઈ ‘બેકઅપ પ્લાન’ નહોતો?
એએમસીના સૂત્રોના જણાવ્યા મુજબ ખારીકટ કેનાલની 50 મીટરની જ કામગીરી બાકી છે. એક અઠવાડિયાથી 15 દિવસ સુધીના સમયમાં કામગીરી પૂર્ણ થઈ જાય એટલું કામ બાકી હતું છતાં પણ રાજ્યના સિંચાઈ વિભાગ દ્વારા પાણી છોડી દેવામાં આવ્યું છે. ખારીકટમાં પાણી છોડ્યું હોવાના કારણે થઈને જે બાંધકામ કરવા માટે નીચે બોક્સમાં ટેકા મુકવામાં આવ્યા છે તેના સહિતનો કેટલોક સામાન અને માટી વગેરે અંદર કેનાલમાં હજી પણ છે જેની વચ્ચેથી પાણી પસાર થઈ રહ્યું છે. ખેડૂતોની માંગ હોવાની વાત કરીને સિંચાઈ વિભાગ દ્વારા પાણી છોડવામાં આવ્યું છે.
સૂત્રોના કહેવા મુજબ, ખારીકટ કેનાલની કામગીરી ચાલી રહી છે તેમાં નીચે બોક્સની કામગીરી હાલ પૂરતી બંધ કરી દેવી પડી છે. રબારી કોલોની પાસે ભાવના હાયર સેકન્ડરી સ્કુલથી આગળના તરફ 50 મીટરનો રોડ છે. ત્યાં કામગીરી બાકી છે હવે કેનાલની ઉપર અને આજુબાજુના ભાગમાં જે કામગીરી બાકી છે તે હાલ પૂરતી ચાલુ રાખવામાં આવી છે.


