અમદાવાદ : વાસણા વિસ્તારમાં હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો.જેમાં અંજલિ બ્રિજ પર હિટ એન્ડ રનની ઘટનામાં લગ્ન પ્રસંગ પૂર્ણ કરી ઘરે જઈ રહેલા 22 વર્ષીય ટુવ્હીલર ચાલકને એક વાહને અડફેટે લેતા ટુવ્હીલર ચાલકનું મોત નીપજ્યું હતું.આ બનાવ અંગે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છેે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ધોળકાના જકાતનાકા પાસે રહેતા આધેડે ટ્રાફિક એન ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વાહન ચાલક ફરિયાદ નોંધાવી છે કે તેમનો પુત્ર કરન ભીલ (22) તા.24 ના બપોરે તેના શેઠનું બાઇક લઈને વાડજ ખાતે સંબંધી ત્યાં લગ્ન પ્રસંગમાં ગયો હતો.ત્યારબાદ કાલે વહેલી સવારે અંજલીબ્રીજ થઈ વાસણા તરફ જઇ રહ્યો હતો. આ સમયે બ્રિજ ઉપર કોઈ અજાણ્યા વાહન ચાલકે તેના બાઇકને ટક્કર મારી હતી. જેથી રસ્તા ઉપર પટકાતા માથા સહિત શરીરે ગંભીર રીતે ઇજા થતાં સ્થળ ઉપર મોત થયું હતું. જ્યારે અકસ્માત બાદ વાહન ચાલક ત્યાંથી ભાગી ગયો હતો.
શહેરમાં નાના-મોટા 92થી વધુ ઓવરબ્રિજ છે, ઈસ્કોનકાંડ બાદ તમામ બ્રિજ પર કેમેરા લગાવવાનો આદેશ કરાયો હતો. જેથી મ્યુનિ. દ્વારા 70 બ્રિજ પર કેમેરા લગાવ્યા હોવાનો દાવો કર્યો હતો. પરંતુ વાસ્તવમાં માત્ર 40 બ્રિજ પર જ કેમેરા લાઈવ છે બાકીના 30 બ્રિજ પર કેમેરા તો છે પણ ઈન્ટરનેટ કે પાવર વગર તે ડેડ હાલતમાં થઈ ગયા છે. જ્યારે બાકીના 22 બ્રિજ પર તો કેમેરા લગાવ્યા જ નથી.


