અમદાવાદ : શહેરના પૂર્વ વિસ્તારના પ્રવેશદ્વાર સમાન ગણાતા વ્યસ્ત કેડિલા બ્રિજ પર આજે રુંવાટા ઉભા કરી દે તેવા અકસ્માતની ઘટના સામે આવી છે. શહેરમાં કેડિલા બ્રિજ પર સવારના સમયે એક અસામાન્ય અકસ્માતની ઘટના સામે આવી, જેમાં એકસાથે ત્રણ વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો છે. અચાનક બનેલી આ ઘટનાએ બ્રિજ પર થોડા સમય માટે અફરાતફરીનું વાતાવરણ સર્જ્યું હતું. જો કે, સદનસીબે આ અકસ્માતમાં કોઈ વ્યક્તિને ગંભીર ઇજા કે જાનહાનિ થવાની ઘટના બની નથી.
પ્રાપ્ત માહિતી મુજબ, કેડિલા બ્રિજ પર ટ્રાફિક વચ્ચે પસાર થઈ રહેલી સળીયા ભરેલી પીકઅપ વાને અચાનક બ્રેક મારી હતી. આ દરમિયાન પાછળ પૂરપાટ ઝડપે આવી રહેલી કાર પીકઅપ વાન સાથે ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે પીકઅપમાં ભરેલા અણીદાર લોખંડના સળીયા કારના વિન્ડશીલ્ડ (આગળના કાચ) ને કાગળની જેમ ચીરીને સીધા સીટ સુધી ઘૂસી ગયા હતા.પીકઅપ વાનમાં યોગ્ય રીતે બંધાણ ન કરાયેલા સળીયાં કારના પાછળના ભાગને તોડી અંદર સુધી પ્રવેશી ગયા, જેના કારણે કારને ભારે નુકસાન પહોંચ્યું. કારમાં સવાર લોકો માટે આ સીધા મોતના મુખમાં જવાની સ્થિતિ હતી.
અકસ્માતના જે ફોટા અને વીડિયો સામે આવ્યા છે તેમાં જોઈ શકાય છે કે સળીયા ડ્રાઈવરની સીટની બિલકુલ બાજુમાંથી પસાર થઈ ગયા હતા. જો સળીયા થોડા પણ ત્રાંસા હોત તો કાર ચાલક કે સવાર વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હોત. ઘટનાસ્થળે હાજર લોકો પણ આ દ્રશ્ય જોઈને સ્તબ્ધ થઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે આટલા ગંભીર અકસ્માત બાદ પણ માત્ર કાર ચાલક અને સવારને સામાન્ય ઈજાઓ જ થઈ છે અને કોઈ જાનહાનિ થઈ નથી.
આ અકસ્માતને પગલે કેડિલા બ્રિજ પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચીને વાહનોને ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. આ ઘટનાએ ફરી એકવાર માલવાહક વાહનોમાં જોખમી રીતે લોખંડના સળીયા લટકાવીને ચાલતા ચાલકો અને તેમની સામે લેવાતા પગલાં પર સવાલો ઉભા કર્યા છે. નિયમ મુજબ વાહનની બહાર સળીયા નીકળતા હોય ત્યારે પાછળ લાલ કપડું કે અન્ય ચેતવણી હોવી જરૂરી છે, જેનો અભાવ ઘણીવાર આવા અકસ્માતો નોતરે છે.


