અમદાવાદ : ગુજરાતી સાહિત્ય જગતના મોભી અને પીઢ હાસ્યલેખક શ્રી રતિલાલ બોરીસાગરને ભારત સરકાર દ્વારા પ્રતિષ્ઠિત ‘પદ્મશ્રી’ પુરસ્કાર એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી છે. સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે તેમના અમૂલ્ય યોગદાન બદલ મળેલું આ સન્માન સમગ્ર ગુજરાત અને વિશેષતઃ નારણપુરા વિસ્તાર માટે ગૌરવની બાબત છે. આ આનંદના અવસરે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સહિતના શીર્ષ નેતૃત્વએ શ્રી બોરીસાગરના નિવાસસ્થાને રૂબરૂ મુલાકાત લઇ અભિનંદન પાઠવ્યા હતા.
નારણપુરા વોર્ડમાં આવેલા રતિલાલ પાર્ક ખાતે આવેલ શ્રી રતિલાલ બોરીસાગરના નિવાસસ્થાને યોજાયેલી આ શુભેચ્છા મુલાકાતમાં ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, કર્ણાવતી મહાનગર ભાજપ અધ્યક્ષ શ્રી પ્રેરકભાઈ શાહ, નારણપુરા વિધાનસભાના ધારાસભ્ય શ્રી જીતુભાઈ ભગત, શહેરના ડેપ્યુટી મેયર, ગુજરાત ભાજપના પ્રવક્તા અને મીડિયા ઈન્ચાર્જ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સ્થાનિક કાઉન્સિલરશ્રીઓ, વોર્ડ પ્રમુખ અને મહામંત્રીશ્રીઓ પણ આ ગૌરવપૂર્ણ ક્ષણના સાક્ષી બન્યા હતા.
આ મુલાકાત દરમિયાન શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ શ્રી રતિલાલ બોરીસાગરને પુસ્તક ભેટ આપી તેમનું બહુમાન કર્યું હતું. તેમણે પોતાની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “શ્રી બોરીસાગરજીનું સન્માન એ સાહિત્યની નિષ્ઠાવાન સેવાનું સન્માન છે. અમે સૌ તેમના પ્રત્યે અત્યંત ગર્વની લાગણી અનુભવીએ છીએ. ઈશ્વર તેમને દીર્ઘાયુ અને ઉત્તમ સ્વાસ્થ્ય પ્રદાન કરે જેથી તેમની સર્જનાત્મક સાહિત્યયાત્રા અવિરત ચાલતી રહે.”
નારણપુરા વિધાનસભાના ધારાસભ્ય શ્રી જીતુભાઈ ભગતે આ પ્રસંગે હર્ષ વ્યક્ત કરતા કહ્યું હતું કે, “એક નારણપુરાવાસી તરીકે આપણા સૌ માટે આ ક્ષણ અતિ ગૌરવસભર છે. શ્રી બોરીસાગરજીએ પોતાના વિચારશીલ સર્જન દ્વારા સમાજને જે નવી દિશા આપી છે, તેની કદર રૂપે મળેલું આ પદ્મશ્રી સન્માન આપણા વિસ્તારની યશકલગીમાં એક નવું પીંછું છે.”
ઉલ્લેખનીય છે કે, શ્રી રતિલાલ બોરીસાગરે પોતાની આગવી હાસ્યશૈલી અને ગહન લખાણો દ્વારા ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. પદ્મશ્રી એવોર્ડની જાહેરાત બાદ તેમના નિવાસસ્થાને સાહિત્યપ્રેમીઓ અને રાજકીય અગ્રણીઓ દ્વારા અભિનંદનનો ધોધ વરસી રહ્યો છે.


