અમદાવાદ : અમદાવાદમાં મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત એન્જિનિયરિંગ ક્ષેત્રે એક મોટી સફળતા મળી છે. અમદાવાદમાં મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન નીચેના મેટ્રો ટનલ પર 100 મીટર લાંબા સ્ટીલનો પુલ સફળતાપૂર્વક તૈયાર કરાયો છે. રાજ્યમાં કુલ 17 સ્ટીલના બ્રિજમાંથી ગુજરાતમાં આ 13મો સ્ટીલનો બ્રિજ છે.જે બુલેટ ટ્રેનના નિર્માણમાં માઈલસ્ટોન સમાન છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદમાં કાલુપુર અને શાહપુર મેટ્રો સ્ટેશન વચ્ચે કાર્યરત અંડરગ્રાઉન્ડ મેટ્રો ટનલની બરાબર ઉપર 100 મીટર લાંબો ‘મેક ઈન ઈન્ડિયા’ સ્ટીલ બ્રિજ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો છે.બુલેટ ટ્રેનનું વાયડક્ટ સ્પાન-બાય-સ્પાન સ્ટ્રક્ચર્સની મદદથી બનાવવામાં આવી રહ્યું છે, જેમાં સ્પાન્સ 30થી 50 મીટર સુધીના છે. જોકે, આ લાઇન કાલુપુર અને શાહપુર મેટ્રો સ્ટેશન વચ્ચે જોડાતા અંડરગ્રાઉન્ડ મેટ્રો ટનલ ઉપરથી પસાર થાય છે. બુલેટ ટ્રેનના સ્ટ્રક્ચરનો કોઈપણ લોડ મેટ્રો ટનલ પર ન પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે ફાઉન્ડેશન્સ ટનલથી દૂર રાખવામાં આવ્યા હતા. આ માટે સ્પાન લાંબી કરીને લગભગ 100 મીટર કરવાની જરૂર પડી હતી.
બ્રિજને સાઇટ પર ટેમ્પરરી ટ્રેસલ્સ પર જમીનથી 16.5 મીટર ઊંચાઈ પર એસેમ્બલ કરવામાં આવ્યું હતું. એસેમ્બલી પૂર્ણ થયા પછી ટમ્પરરી સપોર્ટ્સને સાવધાનીપૂર્વક દૂર કરવામાં આવ્યા અને બ્રિજને સ્થિર સપોર્ટ સિસ્ટમ પર ચોક્કસ રીતે નીચે ઉતારી મૂકવામાં આવ્યું હતું.1098 મેટ્રિક ટન વજનનો સ્ટીલ બ્રિજ અમદાવાદ-સાબરમતી મેઇન લાઇન (વેસ્ટર્ન રેલવે)ના સમાનાંતર સ્થિત છે. આ સ્ટ્રક્ચર ઊંચાઈમાં 14 મીટર અને પહોળાઈમાં 15.5 મીટર છે. તેને વડસા, મહારાષ્ટ્રમાં વર્કશોપમાં ફેબ્રિકેટ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ટ્રેલરો પર સાઇટ પર લઈ જવાયું હતું.
મેઇન સ્ટ્રક્ચરની એસેમ્બલી સુગમ બનાવવા માટે, સાઇટ પર 11.5 x 100 મીટર માપનો ટેમ્પરરી પ્લેટફોર્મ બનાવવામાં આવ્યો હતો. બ્રિજ લગભગ 45,186 ટોર્સ-શીયર પ્રકારની હાઇ સ્ટ્રેન્થ (ટીટીએચએસ) બોલ્ટ્સ સાથે બનાવવામાં આવ્યું છે અને તેની ટકાઉપણું વધારવા માટે C5 સિસ્ટમ પ્રોટેક્ટિવ પેઇન્ટિંગ અને એલાસ્ટોમેરિક બેરિંગ્સ લગાવવામાં આવ્યા છે.


