અમદાવાદ : અમદાવાદમાં આજે સવારે ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં એસ્પાયર-2 નામની બાંધકામ સાઈટ પર 13મા માળેથી સ્લેબ તૂટી પડતાં આઠ શ્રમિકો નીચે પટકાયા હતાં. જેમાં સાતના મોત થયાં હતા અને એકને ગંભીર ઈજા પહોંચી હતી.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, સવારે 9.30 કલાકે આ ઘટના બની છે. અમદાવાદ પોલીસે પણ આ ઘટનાની પુષ્ટિ કરી છે.ફાયર વિભાગના જણાવ્યા પ્રમાણે બિલ્ડીંગના 13મા માળે સ્લેબ પર બિલ્ડીંગમાં લિફ્ટ બનાવવા માટેનું કામ આઠ શ્રમિકો કરી રહ્યા હતાં.આ કામ દરમિયાન 13મા માળનો માચડો ભારે વજનના કારણે તૂટ્યો હતો. સ્લેબ તૂટતા જ આઠેય શ્રમિકો એક સાથે નીચે પડ્યા હતા.
શ્રમિકો માટે કામ કરવા દરમિયાન 8માં માળે નેટ પણ બાંધી હતી. શ્રમિકો 8માં માળે આવેલી નેટમાં પણ પડ્યા હતા.પરંતુ ભારે વજનના કારણે નેટ પણ તૂટી પડી હતી. નેટ તૂટતા 8માં માળેથી શ્રમિકો ધડાકા સાથે નીચે પડ્યા હતા. જેમાં 2 શ્રમિકો ગ્રાઉન્ડ ફ્લોર પર પડ્યા હતા જ્યારે 6 શ્રમિકો બેઝમેન્ટમાં પડ્યા હતા.
13 માળના બિલ્ડિંગમાં 25 ટકાનું કામ થઈ ગયું છે. લિફ્ટનો સ્લેબ ભરવા માટે સેન્ટ્રિગ લગાવતા હતા. પરંતુ વજન વધી ગયો હતો. 13મા માળેથી માઇનસ-2 બેઝમેન્ટમાં 8 શ્રમિકો પટકાયા હતા, આમ 15 માળ અને 45 મીટર જેટલી ઉંચાઈ પરથી પડ્યા હતા.
માઇનસ-2 બેઝમેન્ટમાં ભરાયેલું હોવાથી શ્રમિકોના લોહીથી પાણીનો રંગ પણ લાલ થઈ ગયો છે. અંદર સીડી પણ મૂકી છે જેના દ્વારા મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા અને પમ્પિંગ કરીને પાણી બહાર કાઢવામાં આવ્યું હતું.
મૃત્યુ પામનાર શ્રમિકો
સંજયભાઈ બાબુભાઇ નાયક
જગદીશભાઈ રમેશભાઈ નાયક
અશ્વિનભાઈ સોમાભાઈ નાયક
મુકેશ ભરતભાઈ નાયક
મુકેશભાઇ ભરતભાઇ નાયક
રાજમલ સુરેશભાઇ ખરાડી
પંકજભાઇ શંકરભાઇ ખરાડી