અમદાવાદ : શહેરના નવા વાડજમાં આવેલ લાયોનેસ કર્ણાવતી ઈંગ્લિશ સ્કૂલના પ્રાઈમરી વિભાગના બાળકોએ રાષ્ટ્રીય હિન્દી દિવસની અનોખી ઉજવણી કરી હતી. જયારે બીજો એક કાર્યક્રમ ગણેશ કન્યા વિદ્યાલય દ્વારા પ્રાર્થના સભાનું આયોજન કરાયું હતું.
ગત તા ૧૪ મી સપ્ટેમ્બરના રોજ નવા વાડજની લાયોનેસ કર્ણાવતી ઈંગ્લિશ સ્કૂલ ખાતે રાષ્ટ્રીય હિન્દી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે વિદ્યાર્થીઓએ રંગબેરંગી પોસ્ટર તથા બેનર શાળા કેમ્પસમાં પ્રદર્શિત કર્યા હતા.આ ઉપરાંત વિદ્યાર્થીઓએ હિન્દી ભાષાની મહત્વતા સમજાવતું વકતૃત્વ પણ આપ્યું હતું ત્યારબાદ વિદ્યાર્થીઓએ હિન્દી દિવસને અનુલક્ષી કાવ્ય રજૂ કર્યું હતું. શાળાના શિક્ષકોએ પણ હિન્દી દિવસ અનુલક્ષી કાવ્યને વિદ્યાર્થીઓ સમક્ષ અદભૂત રીતે રજૂ કરેલ હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શિક્ષકગણ તથા વિદ્યાર્થીઓની કામગીરીને શાળાના કેમ્પસ ડાયરેકટર જસ્મીનાબેન પટેલ તથા ટ્રસ્ટી સૌરભભાઈ પટેલે બિરદાવી હતી.
બીજા અન્ય કાર્યક્રમમાં નવા વાડજની લાયોનેસ કર્ણાવતી એમ એચ હિન્દી હા.સે.સ્કૂલ, મંગુબા બાળવર્ગ, એમ એચ પ્રાથમિક સ્કૂલ અને ગણેશ કન્યા વિદ્યાલય ખાતે શાળાના આદ્ય સ્થાપક પરમ આદરણીય પ્રાતઃસ્મરણીય પ્રેમજીભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપવા તેઓના સુપુત્ર શાળાના આચાર્ય દીપકભાઈ પટેલ અને એમના પુત્રવધુ ડો.અનિતાબેન પટેલ દ્વારા એક પ્રાર્થના સભાનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે શાળા પરિવાર દ્વારા સમસ્ત વિદ્યાર્થીઓ અને સ્ટાફને ભોજન કરાવ્યું હતું.