અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત AMTS દ્વારા ધાર્મિક બસ પ્રવાસ યોજના અમલમાં મૂકવામાં આવી છે. જે અંતર્ગત નવરાત્રીના તહેવાર દરમિયાન અમદાવાદ શહેરના મુખ્ય મંદિરોના દર્શન માટે ધાર્મિક બસ પ્રવાસ યોજના 26 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી શરૂ કરવામાં આવી છે, જેમાં એક બસ દીઠ રૂ. 2400 માં આઠ કલાક બુક કરાવી શકાશે. આ ધાર્મિક બસ પ્રવાસમાં શહેરના ભદ્રકાળી મંદિર, મહાકાળી મંદિર સહીત અલગ અલગ કુલ 14 જેટલા મંદિરોમાં દર્શન કરાવવામાં આવશે.
AMTS દ્વારા આગામી 26 સપ્ટેમ્બર થી પાંચ ઓક્ટોબર સુધી નવરાત્રીનો તહેવાર હોવાથી લોકો મંદિરોમાં વધુ દર્શન માટે જતા હોય છે જેને લઇ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટ્રાન્સપોર્ટ કમિટી દ્વારા આ ધાર્મિક બસ પ્રવાસ યોજનાની મંજૂરી આપવામાં આવી હતી. એક બસના રૂ.2400 લેખે શહેરના મુખ્ય બસ ટર્મિનસ લાલદરવાજા, વાડજ સારંગપુર અને મણીનગર ખાતેથી બસનું બુકિંગ કરાવી શકાશે.જેમાં વધુમાં વધુ 40 લોકો મુસાફરી કરી શકશે.
આ બસ પ્રવાસનો સમય 8 કલાકનો નિર્ધારિત રહેશે. સવારે 8:15 થી સાંજે 4.45 સુધીમાં શહેરના વિવિધ 14 જેટલા મંદિરોમાં દર્શન મુસાફરો કરી શકશે. એક બસમાં વધુમાં વધુ 30 સીટીંગ અને 10 ઉભા અથવા 28 સીટીંગ અને 12 ઉભા એમ કુલ 40 જેટલા પેસેન્જર જ જઈ શકશે. મુખ્ય ચાર બસ ટર્મિનસ પર એડવાન્સ રકમ ભરાવી અને બુકિંગ કરાવી, જે તે તારીખ દરમિયાન આ બસ પ્રવાસ યોજનાનો લાભ અમદાવાદીઓ લઈ શકશે.
ક્યાં ક્યાં મંદિરોમાં દર્શન કરી શકશે
ભદ્રકાળી મંદિર(લાલ દરવાજા)
મહાકાળી મંદિર(દુધેશ્વર)
માત્રભવાની વાવ (અસારવા)
ચામુંડા મંદિર (અસારવા ચામુંડા બ્રીજ નીચે)
પદ્માવતી મંદિર(નરોડા)
ખોડિયાર મંદિર(નિકોલ)
હરસિધ્ધ માતા મંદિર(રખીયાલ)
બહુચરાજી મંદિર(ભુલાભાઇ પાર્ક)
મેલડીમાતાનું મંદિર(બહેરામપુરા)
હિંગળાજમાતાનું મંદિર (નવરંગપુરા)
વૈષ્ણોદેવી મંદિર (એસ.જી. હાઇવે)
ઉમિયામાતાનું મંદિર(જાસપુર રોડ)
આઇ માતાનું મંદિર(સુઘડ)
કૈલાદેવી માતા મંદિર (ધર્મનગર)